સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

મોરબીના કંડલા બાયપાસ નજીક વાહન ચાલકોને લૂંટી લેનાર બે ઝડપાયા

લૂંટમાં ગયેલ ચાર લાખની રોકડ રકમ ત્રીજા આરોપી પાસે હોવાની કબુલાત

મોરબી,તા.૨૫ :  મોરબીના કંડલા બાયપાસ નજીક રાત્રીના વાહનચાલકો પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હોય જે બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં વાહનચેકિંગમાં બે ઇસમોને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી હતી

 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એમ આર ગોઢાંણીયાની ટીમે રવિરાજ ચોકડી નજીક વાહનચેકિંગ કર્યું હતું જેમાં બુલેટ અને બાઈકમાં જતા બે શકમંદોને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા કંડલા બાયપાસ નજીક તે બંને ઇસમોએ અન્ય સાથીની મદદથી લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી હતી જેથી તાલુકા પોલીસે આરોપી આશીફ રહીમ સુમરા (ઉ.વ.૨૦) રહે વિસીપરા સુમરા સોસાયટી પાસે મોરબી અને આફતઅલી ઉર્ફે અજગર જાકમ ભટ્ટી (ઉ.વ.૧૯) રહે માળિયા હાલ વિસીપરા મોરબી વાળાને દબોચી લઈને મોબાઈલ નંગ ૦૬ કીમત રૂ ૩૦,૦૦૦, બે છરી અને બુલેટ કીમીયાત રૂ ૧.૫૦ લાખ અને મોટરસાયકલ જીજે ૩૬ કયું ૨૮૨૨ કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ ૨.૧૦ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બંને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

 મોરબી પોલીસે બે ઇસમોને દબોચી લીધા છે તો અન્ય આરોપી નવાબ ઉર્ફે બોદીયો સિકંદર મેમણ રહે વિસીપરા મોરબી વાળો હાલ ફરાર હોય જેની પાસે લૂંટ થયેલ ૪ લાખની રોકડ રકમ હોવાની બંને ઝડપાયેલા આરોપીઓએ કબુલાત આપી હતી

મોરબીમાં બે દિવસ પૂર્વે રાત્રીના ત્રણ ઇસમોએ બાયપાસ રોડ પર આતંક મચાવ્યો હતો સામાન્ય રીતે લૂટારૂઓ એકાદ લૂંટને અંજામ આપી નાસી જતા હોય છે જોકે અહી તો લૂટારૂઓએ એક બાદ એક અનેક વાહનચાલકને રોકીને બિન્દાસ્ત લૂંટને અંજામ આપી રીતસરનો આતંક મચાવ્યો હતો જોકે મોરબી પોલીસે પણ લૂંટારૂઓને તાકીદે ઝડપી લઈને મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે

હાલ પોલીસે ઝડપાયેલ બે આરોપી પાસેથી મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે તો અન્ય એક આરોપી પણ પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રો જણાવે છે જે ઇસમ પાસે લૂંટમાં ગયેલ ચાર લાખની રોકડ રકમ હોય અને ચાર લાખની રોકડ રકમ પણ પોલીસ જલ્દી રીકવર કરશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

(1:38 pm IST)