સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

માનેલી બહેનની છેડતી અંગે આરોપીને ઠપકો આપનાર ભાવનગરના યુવાનની હત્યા

ભાવનગર, તા., રપઃ ભાવનગરમાં યુવાનની હત્યા અંગે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. જયારે અન્ય ત્રણ હજુ ઝડપાયા નથી. માનેલીબેનની છેડતી કરનારને ઠપકો આપતા ૪ શખ્સોએ તલવાર, છરી, પાઇપ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખ્યાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

ફુલસર જકાતનાકા વિસ્તારમાં રહેતા મયુર પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.રર) તથા તેના ભાઇ ઉમેશભાઇ મકવાણા ઉપર વિશાલ  દિનેશભાઇ સોલંકી, જીગો પાયાભાઇ સોલંકી, ગફુર દિલીપભાઇ ચુડાસમા તથા વિશાલનો કૌટુંબીકભાઇ સહીત ચાર શખ્સોએ તલવાર, પાઇપ, છરી જેવા હથીયારો વડે હુમલો કરી મયુરની હત્યા કરી નાખી હતી. જયારે તેના ભાઇ ઉપર હુમલો કરી નાસી છુટયા હતા.

આ બનાવ અંગે ઇજા પામનાર મૃતકનાં ભાઇ ઉમેશ પ્રતાપભાઇ મકવાણાએ ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિશાલ સહીત ચારશખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. મૃતક મયુરની માનેલી બહેનની આરોપી વિશાલ છેડતી કરી હેરાન કરતો હોય તેને ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી ગઇ રાત્રે બે ભાઇઓ પસાર થતા હતા ત્યારે મયુરની હત્યા કરી હતી અને તેના ભાઇને ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલા ચાર પૈકી વિશાલ સોલંકીને ઝડપી લીધો છે. જયારે અન્ય ત્રણને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ પીઆઇ આર.આઇ.સોલંકી તપાસ ચલાવી રહયા છે.

(12:12 pm IST)