સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

રવિવાર ગોઝારોઃ ખંભાળીયા-ધ્રાંગધ્રા-ભૂજ પાસે અકસ્માતઃ ૧૦ મોત

ધ્રાંગધ્રા પાસે એસટી અને કાર વચ્ચે ટક્કરઃ ભૂજમાં જીપે બે બાઈકને હડફેટે લીધાઃ ખંભાળીયાના માંઝા પાસે બોલેરોએ એકટીવાને ઠોકર મારી

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્વીરમાં ધ્રાંગધ્રા પાસે સર્જાયેલ અકસ્માત, ચોથી તસ્વીરમાં ભૂજમાં થયેલ અકસ્માત અને પાંચમી, છઠ્ઠી અને સાતમી તસ્વીરમાં ખંભાળીયા પાસે સર્જાયેલ અકસ્માત નજરે પડે છે (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ, વિનોદ ગાલા-ભૂજ, કૌશલ સવજાણી-ખંભાળીયા)

રાજકોટ, તા. ૨૫ :. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો અને જુદા જુદા ત્રણ અકસ્માતમાં ૧૦ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ કોરોનાવાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માત ની ઘટનાઓમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ રોજ અકસ્માતમાં કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ કચ્છ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં  ત્રણ લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે એકનું સારવાર માટે લઈ જતા સમયે મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં  ચાર યુવાનોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ ૧૦૮ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તત્કાલીન ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ છે.

અપડેટ માહિતી અનુસાર, ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનીક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા.

તે સમયે મહાદેવનગર - ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસી કાળ  બનીને ટકરાઈ અને ચારે યુવાનને ભરખી ગઈ છે. પોલીસ અનુસાર, મૃતકોમાં વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે ૩૦ રહેવાસી સોલડી,રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ ૩૫ રહેવાથી સોલડી , દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૩ રહે ધ્રાંગધ્રાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે દલપત ભાઈ મોતીભાઈ જાદવનું રહે.સર્વોદય સોસાયટી, સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ભુજના એરફોર્સ સ્ટેશન નજીક ગઇકાલે ફોર્ચ્યુનર કારે બે બાઇકને ટક્કર મારતા મુળ દિનારા ગામના અને હાલે ભુજના આશાપુરા નગરમાં રહેતા બે બાઇકમાં સવાર કુલ ૪ વ્યકિતઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતના આ બનાવમાં ગઇકાલે એક વ્યકિતનું મોત થયુ હતુ જ્યારે અન્ય ૩ વ્યકિતને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન કાલે સવારે સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત એવા બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે વધુ સારવાર માટે એક વ્યકિતને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે.  ગઇકાલે મોડી સાંજે ફોર્ચ્યુનર કારે બે બાઇકોને ટક્કર મારી હતી. જેમાં ગઇકાલે અદ્રેમાન સમાનુ જ્યારે રાત્રે બે વાગ્યે ભુજની જનરલ હોસ્પિટલમાં હનિફ નુરમામદ સમા અને આજે સવારે મુસ્તાક સમાનું મોત થયુ છે. બી-ડીવીઝન પોલિસે અકસ્માતના આ મામલે વધુ તપાસ હાથ ધરી.

(12:06 pm IST)