સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

માળિયા મિયાણામાં તાલુકા કક્ષાના ઓનલાઇન રમકડા મેળો યોજાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૫ : બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણપ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન થયેલ છે. જે અંતર્ગત માળિયા (મી.) તાલુકાકક્ષાના વર્ચ્યુઅલ રમકડાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રમકડાં મેળામાં માળિયા તાલુકામાંથી ૮ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અનિલભાઈ બદ્રકિયા (મોટીબરાર પ્રા. શાળા), બેચરભાઈ ગોધાણી (કુંતાસી પ્રા. શાળા), અશ્વિનભાઈ ભુવા (નવાગામ પ્રા. શાળા), દેવજીભાઈ મકવાણા (ખીરઈ તાલુકા શાળા), યોગેશભાઈ ગામી (રાસંગપર પ્રા. શાળા), રજનિકાંતભાઈ દેત્રોજા (નાના દહીંસરા પ્રા. શાળા), સ્નેહલબેન પટેલ (જુના દ્યાટીલા કન્યા શાળા) અને વિરલબેન મેરજા (મોટાભેલા પ્રા. શાળા) નો સમાવેશ થાય છે.

આ રમકડાં મેળામાં, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા, લાયઝન ઓફિસર હમીરભાઈ કાતડ, બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્યના મહામંત્રી અને માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, તાલુકાના સી.આર.સી. મિત્રો અને અન્ય શાળાના શિક્ષકમિત્રો જોડાયા હતા. સાથે આ કાર્યક્રમનું સમગ્ર ઓનલાઈન સંચાલન અનિલભાઈ બદ્રકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:04 pm IST)