સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

સુખપર ગામમાં ૧૨૫ કેસ : જામજોધપુરમાં એક જ દિ'માં ૮ પોઝિટિવ

કચ્છમાં કોરોનાના ફૂંફાડા વચ્ચે હોમઆઇસોલેશનના દર્દીઓ વધ્યા : ભૂજમાં કન્ટેન્મેન્ટ ઝોન કરતા કેસો ઓછા કેમ?: કચ્છમાં ૧૧, મોરબી જિલ્લામાં નવા ૨૧ કેસો નોંધાયા

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હવે નાના ગામો કે ગ્રામ્ય વિસ્તારમાંથી કેસો બહાર આવી રહ્યા છે ત્યારેફરી સંક્રમણના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભુજ

ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલ મુજબ કોરોના મામલે કોર્ટના ઠપકા પછી સરકાર હોય કે તંત્ર સુધરશે ખરાં? કોરોનાની ફરી વધી રહેલી મહામારી વચ્ચે આંકડાઓની લુકાછૂપીના ખેલથી લોકોમાં કયાંક ને કયાંક સંક્રમણ વધતું હોવાની ચિંતા પ્રવર્તિ રહી છે. કચ્છમાં તંત્ર દ્વારા નવા ૧૧ દર્દીઓ જાહેર કરાયા છે. પણ, મૂળ વાત એ જાહેર થતાં આંકડાઓ સામે છે. હવે હોસ્પિટલના ખાલી બેડની સંખ્યા દર્શાવાતી નથી. પરિણામે દર્દીઓની સંખ્યા અંગે અવઢવ રહે છે. તો, ભુજમાં કન્ટેન્મેન્ટ ઝોન કરતાં દર્દીઓની ઓછી સંખ્યા ચર્ચાનો વિષય બની છે. એવું જ ભુજની ભાગોળે આવેલા સુખપર ગામમાં છે. અહી કરાયેલા રેપિડ ટેસ્ટમાં ૧૨૫ કેસ પોઝિટિવ હોવાની ચર્ચા છે. જોકે, ચોપડે માત્ર ગણતરીના કેસ જ ચડે છે. જયારે આવું જ હોમ આઇસોલેશનના દર્દીઓની બાબતે છે. હવે, પ્રાઈવેટ ટેસ્ટ કરાવી જાતે જ ઘેર રહી ખાનગી તબીબોની સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ચોપડે ચડતી નથી. પરિણામે જાણતા અજાણતાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. કચ્છમાં કુલ દર્દીઓની સંખ્યા ૩૧૨૩ થઈ છે. જયારે સાજા થનાર ૨૭૯૦ અને એકિટ્વ કેસ ૨૧૬ છે. મોતની સંખ્યા બાબતે અવઢવ વચ્ચે ચોપડે ૭૧ દર્શાવાય છે.

જામજોધપુર

જામજોધપુરમાં કોરોના વિસ્ફોટ થતાં એક દિવસમાં ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સૌથી વધુ જામજોધપુર તાલુકામાં ૮ કેસ નોંધાયા છે. કુલ ૩૮૮ કેસ આજ દિવસ સુધીમાં નોંધાયા હોય આમ પ્રજામાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. બેદરકારી પણ સામે આવી છે. ચારેબાજુ રેકડી પાનના ગલ્લા શાકભાજી લારીઓવાળા મુખ્ય ગાંધી ચોક આઝાદ ચોક વગેરે વિસ્તારમાં મેળાવડો જામ્યો છે. તાલુકા જિલ્લાની રાજકીય લોકોને ચૂંટણી દેખાતા રાજકીય મીટીંગો જામી હોય તંત્ર ચૂપ છે.

મોરબી જિલ્લામાં ૧૫ ડિસ્ચાર્જ

મોરબી : જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. જેમાં કોરોનાના નવા ૨૧ કેસો નોંધાયા છે જયારે ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૯ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૬ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથક અને માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૧ કેસો નોંધાયા છે. જયારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે આજના નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૫૪૭ થયો છે. જેમાં ૧૫૩ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૨૪૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:57 am IST)