સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th October 2021

ગાંધીધામની લીલાશા હોસ્પિટલ ખાતે કિરણ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા રાજ્યપાલ

દાન ધર્મ થી થયેલું સત્કાર્ય જીવનના સુખનો આધાર બને છે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા જનસહયોગ મહત્વપૂર્ણ : વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય :ગાંધીધામે સાથે મળીને દરેક સમસ્યાનો સફળતા પુર્વક સામનો કર્યો છે : ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી

ભુજ :  ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીધામની લીલાશા  હોસ્પિટલ ખાતે  કિરણ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું  લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, દાન-ધર્મથી થયેલું સત્કાર્ય જ જીવનમાં સુખનો આધાર બને છે

ગુજરાતના રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિ વર્ણવવામાં આવી છે. ત્રણ ગતિ દાન -ભોગ અને નાશ પૈકી દાનના રસ્તે ધનની ગતિને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. રાજ્યપાલએ સંચિત કર્મથી માનવી આજન્મ જ નહીં આવનારા જન્મને પણ શ્રેષ્ઠ બનાવી શકે છે તે જણાવી દાન અને સેવાના ધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો હતો.
  કોરોના સંક્રમણના સામના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને જનશક્તિના પ્રચંડ સામર્થ્યથી ભારતે જે કાર્ય કર્યું છે તેની વિશ્વ આખાએ નોંધ લીધી છે તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, ગણતરીના મહિનાઓમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે-બે  રસીની વિશ્વને ભેટ ધરી એટલું જ નહીં ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ સંપન્ન કરીને ભારતે વૈશ્વિક કીર્તિમાન હાંસલ કર્યું છે. સંક્રમણ સામેની પરિણામલક્ષી કામગીરીના કારણે આખું વિશ્વ આજે ભારતને માન ભરી નજરે જોઇ રહ્યું છે. રાજ્યપાલએ સરકારની સાથે દેશના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ  અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની કામગીરીને ચાવીરૂપ ગણાવી હતી. તેમણે કોરોના સંક્રમણ સમયે વિવિધ સમુદાયો, ધર્મ સંસ્થાઓ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ

સેવાયજ્ઞને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ગણાવ્યા હતા. રાજ્યપાલએ કોરોના સંક્રમણ સામેના જંગમાં આત્મનિર્ભર ભારતના દર્શનને સ્પષ્ટ કરી જણાવ્યું હતું કે, આજે માસ્કથી માંડીને  વેક્સિન સુધીનું નિર્માણ દેશમાં થઈ રહ્યું છે અને વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવાની ક્ષમતા દેશે હાંસલ કરી છે જે દેશવાસીઓ માટે ગૌરવની વાત છે

   રાજ્યપાલએ જનસેવાને જ સાચા અર્થમાં પ્રભુસેવા ગણાવી કિરણ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારાં થઈ રહેલા સેવા કાર્યથી અન્ય લોકોને પ્રેરણા મળશે અને સેવાના દિપક પ્રજલિત રહેશે તેવી કામના કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.                            

 આ તકે વિધાનસભાના અધ્યક્ષા ડૉ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના દ્વારા જન સહયોગ મહત્વપૂર્ણ છે કોવિડ-૧૯ ની મહામારીનો દેશવાસીઓએ એકજુથ થઇ સામનો કર્યો છે અને સુવિધાઓની કપરા સમયે જરૂર હતી ત્યારે સરકારની પડખે દાતાઓ, સંસ્થાઓ અને નગર શ્રેષ્ઠિઓ સાથે જનસામાન્યનો સહયોગ પણ નોંધનીય રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કોવિડ-૧૯ ના વોરિયર્સની કામગીરીને પગલે આપણે કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છીએ અને આજે પણ સક્રિય છીએ. આજે ગાંધીધામમાં કિરણ ફાઉન્ડેશન દ્વારા અપાયેલા રૂપિયા ૫૨(બાવન) લાખના ઓક્સિજન પ્લાન્ટની તેમજ તેના જેવી અનેક વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી આપણે કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છીએ.
 તાજેતરમાં વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના પગલે ૧૦૦ કરોડ દેશવાસીઓને  વેકસીનેશનની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
 ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જણાવ્યું હતું કે, ગાંધીધામે એક સાથે મળીને દરેક સમસ્યાનો સામનો સફળતાપૂર્વક કર્યો છે. ગાંધીધામમાં આજે પાંચમો મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થયો છે. ગાંધીધામ દીનદયાળ પોર્ટના બે, કાસેઝના એક અને પી.એમ. કેર  ફંડમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ તેમજ આજે કિરણ ફાઉન્ડેશન ગ્રુપ કંપની દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ થયું છે.
   આ તકે તેમણે ગાંધીધામ શહેરના શ્રેષ્ઠીઓ, દાતાઓ, સંસ્થાઓ અને કંપનીઓ તેમજ કોરોના વોરિયર્સ વગેરેએ વૈશ્વિક મહામારીમા અદભુત કામગીરી બતાવી છે તે બદલ સૌને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. તેમણે વૈશ્વિક મહામાર માં યોગદાન આપનાર તમામ ને વિગતે યાદ કરીને સૌને શુભેચ્છાઓ પાઠવી ઋણ સ્વીકાર કર્યો હતો.

  આ તકે આશીર્વચન આપવા માટે ઉપસ્થિત ગીતા મનીષી મહામંડલેશ્વર આનંદજી મહારાજે વૈશ્વિક મહામારીમા પ્રકૃતિનો હળવાશ, સંયમપૂર્વક,  શિસ્તથી જીવવાના સંદેશને રજૂ કરી મહામારીમાં યોજાયેલા ધાર્મિક કાર્યોની વિગતો રજૂ કરી હતી

સ્વાગત પ્રવચનમાં કિરણ  ફાઉન્ડેશનના મેનેજીંગ ડાયરેકટર મહેશ ગુપ્તાએ , મહામારીમાં સરકારે અને વહીવટી તંત્રે કરેલી કામગીરીને બિરદાવી તેમાં સંકળાયેલા તમામની પ્રશંશા કરી હતી તેમજ સંકટના સમયે સામાજિક સંસ્થાઓ અને સંગઠનનો એ પણ ઉત્તમ યોગદાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ  જેમાં તેમનો આ માત્ર નાનો નાનકડો પ્રયાસ છે એમ જણાવ્યું હતું.

  ફાઉન્ડેશનના અગ્રણી દિનેશ ગુપ્તાએ આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં કિરણ ફાઉન્ડેશન ઓફ ગ્રુપના સર્વે વડીલો, પરિવારના અગ્રણીઓ, ગાંધીધામના નગરપતિ ઈશિતાતાબેન ટીલવાણી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, નગર અગ્રણીઓ , ઉદ્યોગકારઓ કોવિદ-૧૯ની ગાઈડલાઈન મુજબ ઉપસ્થિત રહ્યા હતા

(6:01 pm IST)