સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

૩૫૦ વર્ષ જૂની જામનગરની જલાની જારમાં યોજાતી ગરબીમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે જળવાતી પરંપરા :

છોટીકાશી ગણાતા જામનગરમાં ૩૫૦થી વધુ  પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરૃ મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે.  જામનગરમાં આવેલા જલાની જાર વિસ્તારમાં છેલ્લા ૩૫૦થી વધુ વર્ષો થયા પરંપરાગત ગરબી યોજાય છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત આ જલાની જારની ગરબીમાં યોજાતા ઈશ્વર વિવાહ જોવા માટે રાતભર લોકો ઉમટી પડતાં હોય છે.આ ગરબીમાં માત્ર છંદો દ્વારા પુરુષો નગારાના તાલે ગરબી યોજે છે. અને આ ગરબીમાં નાત-જાતના ભેદ-ભાવ વગર નાના-મોટા સૌ કોઈ ભાગ લેતા હોય છે. જેમાં સાતમા નોરતે યોજાતા ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ હોય છે. પરતું આ વર્ષે નવરાત્રિ દરમ્યાન અહી યોજાતા ઈશ્વર વિવાહમાં પણ કોરોના વેરી બન્યો છે. પરતું વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામા આવી છે. કોરોનાના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ છે. ત્યારે પરંપરાગત યોજાતી જામનગરની ૩૫૦ વર્ષોથી પણ જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં ખાસ માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે નવરાત્રિના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતિના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામા આવી છે.(તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(12:42 pm IST)