સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th September 2022

જામનગરમાં શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા નિકળી :પ્રાણનાથજીના જન્મ સ્થળે આરતી અને ધ્વજારોહણ

જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે વિશાળ શોભાયાત્રા નીકળી હતી.શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના દેશ વિદેશમાં ફરી પ્રચાર કરનાર જામનગરના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીની જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથજી અનુયાયીઓ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનભાઇ મસ્તી જ નજીક આવેલ ગણેશ ફળીમાં આવેલા પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું આતશબાજી અને સંગીતના સૂરો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ફરીથી આ શોભાયાત્રા હવાઈ ચોક થઈને શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે સંપન્ન થઈ હતી.આ શોભાયાત્રામાં પ્રારંભિક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના યુવાનો દ્વારા ભગવાન ધ્વજ સાથે આકર્ષણ જમાવવામાં આવ્યું હતું. તો શોભાયાત્રામાં પ્રણામી ગ્લોબલ સ્કૂલના એનસીસીના કેડેટસો પણ પણ જોડાયા હતાં. શ્રીકૃષ્ણમણીજી મહારાજના નેજા હેઠળ શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા અને મહેશભાઈ જોબનપુત્ર તેમજ પ્રણામી ધર્મના યુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકોએ 15 જેટલા વિવિધ ફ્લોટસો તૈયાર કર્યા હતા જેમાં મહામતી શ્રી પ્રાણનાથજીના જીવન ચરિત્રની વિવિધ જાખીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ શ્રી રાજશ્યામજી (રાધા કૃષ્ણ) તેમજ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજના રથ ઉપરાંત ખાસ બગી સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ દરમ્યાન નીકળેલી શોભાયાત્રામાં ઠેર ઠેર મહાનુભાવો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ઉમંગ ઉત્સાહ સાથે પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

(11:36 pm IST)