સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જખૌ જળ સિમાની અંદર ઘુસીને પાક મરીન દ્વારા ફાયરીંગ : પોરબંદરની બોટના ૧ ખલાસીને ઇજા

ફિશીંગ સીઝન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૨ વખત ચાંચીયાગીરીમાં ૧૬ બોટ સાથે કુલ ૫૬ માછીમારોના અપહરણ કરી ગયેલ : જળ સીમામાં વારંવાર અશાંતિના પ્રયાસ સામે માછીમારોમાં રોષ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૪ : કચ્છની જખૌ જળ સીમાની અંદર પાક મરીન ચાંચીયા ઘુસી જઇને ફાયરીંગ કરતા ફિશીંગ કરતા માછીમારોમાં નાસભાગ મચી જતી હતી. ફાયરીંગમાં પોરબંદરની બોટના ૧ ખલાસીને ઇજા થઇ હતી.

અત્યાર સુધીમાં પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી માછીમારીની સીઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત ૧૦ બોટ સાથે કુલ ૫૬ માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો.

બુધવારે રાત્રિના સમયે ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદરના માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે સમય દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી. પાકિસ્તાની કર્મચારીઓએ બોટ પર કરેલા ફાયરિંગમાં એક ખલાસી ઘાયલ થયો છે. પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધી અપહરણ કરાયેલ ૬૦૦થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેમજ પાકિસ્તાનના કબજામાં અપહરણ કરેલ કુલ ૧૧૦૦ ભારતીય બોટ છે જે મોટાભાગના સૌરાષ્ટ્ર બંદરોની છે.

(12:49 pm IST)