સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

ચુડાના વેજલકાનો બનાવ : દુષ્કર્મ બાદ બોટાદની હોસ્પિટલમાં સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો !

સગીરાની કાકીએ હોસ્પિટલના ડોકટર- નર્સ, સગીરાના પિતા સહિત પાંચ વ્યકિતઓ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૪ : ચુડા તાલુકાના વેજલકા ગામે રહેતી ૧૩ વર્ષની સગીરાને કુટુંબના જ સભ્યો ભરતભાઈ દાનાભાઈ ધરજીયા તથા રમણીકભાઈ પમાભાઈ ધરજીયા અને સગીરાના પિતા ભરતભાઈ અરજણભાઈ ધરજીયા તમામ  થોડા દિવસો પહેલા સવારના સમયે કારમાં બેસાડી લઈ ગયાં હતાં અને ત્યારબાદ ફરિયાદીને ફોન કરી બોટાદ ખાતે ખાનગી સારવાર અર્થે લઈ ગયાં હોવાનું જણાવ્યું હતું અને રાણપુર પહોંચતા સગીરાની તબીયત સારી નહિં હોવાનું જણાવતાં ફરિયાદી મહિલાના પતિ બાબુભાઈ ધરજીયા ત્યાં પહોંચતાં તમામ લોકો હાજર હતાં અને ત્યારબાદ પરત ઘરે આવ્યાં હતાં.

આ બનાવ અંગે સગીરાની પુછપરછ કરતાં અંદાજે છ મહિના પહેલા ગામમાં જ રહેતાં શખ્સ શંકરભાઈ પમાભાઈ ધરજીયા દ્વારા સગીરાને બહાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને છ મહિનાનો ગર્ભ રહી જતાં ગામમાં તેમજ સગા સબંધીઓમાં આબરૂ ન જાય તે માટે બોટાદ ડોકટર સાથે મળી ગર્ભપાત કરાવી કાચા સમયની નવજાત બાળકી સાથે લાવી તેનો ઘાકપીછોડો કરવાનું જણાવ્યું હતું આથી ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવતાં ભોગ બનનાર સગીરા છ મહિનાની મૃત બાળકીને લઈ ચુડા સરકારી દવાખાને લાવ્યાં હતાં.

જે અંગે ભોગ બનનાર સગીરાની કાકી શીલ્પાબેન ધરજીયાએ ચુડા પોલીસ મથકે પરિવારના (૧) શંકરભાઈ પમાભાઈ ધરજીયા (૨) ભરતભાઈ અરજણભાઈ ધરજીયા (સગીરાના પિતા) (૩) રમણીકભાઈ પમાભાઈ ધરજીયા (૪) ભરતભાઈ દાનાભાઈ ધરજીયા તથા (૫) બોટાદની ખાનગી પુજા હોસ્પિટલની ડોકટર તથા સ્ટાફના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવતાં ચુડા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(11:30 am IST)