સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

મોબાઇલ નથી ચોર્યો એની ખાત્રી કરવા માટે ગવરીદળમાં માતાજીના મઢે સમ ખાવા ભેગા થયા ને બઘડાટીઃ ૩ને ઇજા

રાજકોટ તા. ૨૪: ગવરીદળ રહેતાં દેવીપૂજક યુવાનનો મોબાઇલ ફોન ખોવાઇ ગયો હોઇ તેને જામનગર રોડ પર રહેતાં દેવીપૂજક યુવાન પર શંકા હોઇ 'જો તે ફોન ન ચોર્યો હોય તો ગવરીદળ માતાજીના મઢે આવીને માતાજીના સમ ખાઇ લે' તેમ કહેવાતા આ યુવાન અને તેનો ભાઇ સહિતના ગવરીદળ મઢે ભેગા થયા બાદ બોલાચાલી થતાં એક બીજા પર હુમલો થતાં ત્રણને ઇજા થઇ હતી.

ઘાયલોમાં મોરબીના પીપરી બેલાના જગાભાઇ વાલાભાઇ જખાણીયા (ઉ.વ.૪૦) તથા સામે પક્ષે જામનગર રોડ એરપોર્ટ ગાર્ડન પાસે રહેતાં હીરા મનુભાઇ વાજેલીયા (ઉ.વ.૨૨) તથા મેરૂ મનુભાઇ વાજેલીયા (ઉ.વ.૨૦)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જગાએ પોતાના પર હીરા મનુ સહિતે છરીથી હુમલો કર્યાની અને હીરાએ પોતાના પર કાળુ, જગા સહિતે પાઇપથી હુમલો કર્યાની રાવ કરતાં કુવાડવા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

જગા વાલાએ જણાવ્યું હતું કે તેનો ભાઇ વિરમ જે ગવરીદળ રહે છે તેનો ૧૦ હજારનો મોબાઇલ બે દિવસ પહેલા મોડી રાતે ચોરાઇ ગયો હતો. આ ફોન હીરો ચોરી ગયાની શંકા હોઇ તેને આ બાબતે પુછ્યું હતું. પણ તેણે આનાકાની કરી હતી. આથી તેને ગવરીદળ અમારા માતાજીનો મઢ હોઇ ત્યાં આવી સમ ખાઇ લેવા કહેવાયું હતું. આથી ગઇકાલે હું પીપરીથી મઢે આવ્યો હતો. અહિ બધા ભેગા થયા ત્યારે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

સામે હીરાએ કહ્યું હતું કે પોતાને મોબાઇલ ફોન બાબતે ખબર ન હોવ ાછતાં ખોટો આરોપ મુકી કાળુ નાનજી અને જગા વાલાએ હુમલો કર્યો હતો. જેમાં પોતાને અને ભાઇ મેરૂને ઇજા થઇ હતી. પીએસઆઇ આર. કે. રાઠોડ વધુ તપાસ કરે છે.

(11:26 am IST)