સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th September 2019

સાવરકુંડલાના વેપારીનો ચેક રિટર્નના કેસમાં નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૨૪  : સાવરકુંડલાના વેપારીનો ચેક રીટર્ન કેસમાં નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના વેપારી કિશોર બચુભાઇ ચુડાસમા, આકાશ એન્ટરપઇઝ ના નામે ઇલેકટ્રોનીકસ આઇટમ વિગેરેનો વેપાર કરે છે. રાજકોટના હરેશકુમાર દુર્લભદાસ ગોટેચા શ્રીજી માર્કેટના નામે વેપાર કરે છે અને તેઓ એલ્પેઝો કંપનીના સોૈરાષ્ટ્ર કચ્છની ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હતા અને  તેઓ ઇલેકટ્રોનીકસ આઇટમનું વેચાણ કરતા હતા. તેઓ પાસેથી આરોપીએ ગેરેન્ટીવાળું લાઇટીંગ બલ્બ  વિગેરે ખરીદેલ, બન્ને પક્ષકારો વચ્ચે વેપારી વ્યવહારો ચાલતા હતા. તે દરમ્યાન આરોપીએ અલ્પેેઝો કંપનીને સીકયુરીટી પેટે ચેક આપેલ, પરંતુ આરોપી પેઢીને ગેરન્ટી વાળો માલ પરત આવતા તે માલ આરોપીએ ફરીયાદીને પરત મોકલેલ, તે સ્વીકારેલ નહીં અને ફરીયાદીએ કંપની પાસેથી સીકયુરીટીવાળો ચેક મેળવી અને પોતાના નામે રૂા ૧,૧૭,૧૧૦/- રકમ તારીખ વિગેરે પોતાના કે અન્ય માણસોના હસ્તાક્ષરમાં ભરાવી બેંકમાં ડીપોઝીટ કરેલ અને પરત થયેલ.

આ કામે બન્ને પક્ષકારો વચ્ચે નોટીસ વ્યવહાર પણ થયેલ અને આરોપીએ ફરીયાદી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ પણ આપેલ, ત્યારબાદ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશીએબલ  ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા કોર્ટે સમન્સ કાઢેલ અને આરોપીએ પોતાનો બચાવ રજુ કરેલ, તેમજ અદાલતે બન્ને પક્ષકારોના  પુરાવાઓ તેમજ જુબાની ધ્યાને લઇ આરોપી તરફે રજુ થયેલ વડી અદાલતના ચુકાદા ધ્યાને લઇ ફરીયાદી પોતાનો કેસ સાબીત નહીં કરી શકતા, સાવરકુંડલાના આરોપી કિશોર બચુભાઇ ચુડાસમાને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ફોજદારી કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ૯માં અધિક સેશન્સ જજ શ્રી ગઢવીએ હુકમ કરેલ છે.

આ કામે આરોપી તરફે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી બિનેશ પટેલ, તથા રાજેશ પટેલ રોકાયેલ હતા.

(3:37 pm IST)