સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th September 2019

મુળ ધોરાજીનાં મેમણ વેપારીનું દુબઇમાં ડુપ્લિકેશનઃ ૨ કરોડનો જથ્થો જપ્ત : વેપારીની શોધખોળ

ધોરાજી,તા.૨૪:ધોરાજી ના મુસ્લિમ મેમણ સમાજ નાં અનેક સાહસિક બિરાદરો દેશ-વિદેશમાં રહી અનેકવિધ વ્યવસાયો સાથે સંકળાય ને ધોરાજી તેમજ દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

સાથોસાથ જેને અપવાદરૂપ કિસ્સો કહી શકાય તેવી દ્યટના દુબઈ ખાતે સર્જાતા ધોરાજી મુસ્લિમ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ ધોરાજીના મુસ્લિમ મેમણ અને દુબઈમાં ઓટો પાર્ટ ક્ષેત્રે વ્યાપાર કરતાં એક વ્યાપારી સ્ટાન્ડર્ડ કંપનીનો ડુપ્લીકેટ માલ વેચતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધોરાજીના મુસ્લિમ મેમણ સોહીલ ભાઈ ઈસ્માઈલભાઈ ભેસાણીયા દ્યણા વર્ષોથી દુબઈ ખાતે રહી ટ્યુબ ટાયર અને ઓટો પાર્ટ્સ ના ક્ષેત્રે સફળ બિઝનેસ ચલાવી રહ્યા છે તેમજ પોતાના માદરે વતન ધોરાજી ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ સેન્ટર સહિત મેડિકલ ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. દુબઈ સ્થિત તેમની કંપની સિમ્બા અને કુફૂંકાવા ના બ્રાન્ડેડ નામે કોઈ ડુપ્લીકેટ માલ વેંચતા હોવાની ફરિયાદ તેમણે દુબઈ પોલીસ તેમજ દુબઈના ઈકોનોમી વિભાગમાં જાણ કરતાં આ બંને ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુકત છાપો મારતા દુબઈના રાસેલખોર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી ઓટો પાર્ટ નો અંદાજે બે કરોડની રકમ નો ડુપ્લીકેટ માલ ઝડપાયો હતો. જેમાં બાઇક ની ટ્યુબ, કલચ, બ્રેક ના ગ્યાસ્કીટ વગેરેના પાર્ટ્સ નો જથ્થો મોટા પ્રમાણમાં દુબઇ પોલીસે પકડી લીધો હતો.

આ મામલે દુબઇ સ્થિત વેપારી સોહિલભાઈ ભેંસાણીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવેલકે અમોને ડુપ્લીકેટ માલ વેચાતો હોવાની આધારભૂત માહિતી મળી હતી. દુબઇ સ્કાય મોટર બાઇક ટ્રેડિંગ કંપની દ્વારા ગેરરીતી થતી હોવાની પોલીસને જાણ કરતા સ્થાનિક તંત્ર દ્વારા ૧૫ દિવસ પૂર્વે છાપો મારી આશરે બે કરોડનો માલ ગોડાઉન માંથી જપ્ત કરી લેવાયો છે. અને આ ડુપ્લિકેશન માં સામેલ વેપારીઓ ની શોધખોળ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને અગાઉ પણ આવી રીતે ડુપ્લિકેશનના મામલે દુબઇ સરકારે દંડ સહિત આકરી કાર્યવાહી કરી હતી.

મૂળ ધોરાજીના જ મુસ્લિમ મેમણ વેપારી દ્વારા દુબઈમાં ડુપ્લિકેશન મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક ધોરાજી અને મુસ્લિમ મેમણ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(11:55 am IST)