સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

પાલીતાણામાં બે વર્ષ પહેલા થયેલા હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગરમાં પાલીતાણામાં બે વર્ષ પૂર્વ થયેલ મારામારીમાં જીવલેણ હુમલાના કેસમાં સંડોવાયેલા આરોપીને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે.

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. ર૩ : બે વર્ષ પૂર્વે પાલીતાણાની સર્વોદય સોસાયટી વિસ્તારમાં રહેતા ફરીયાદીની દિકરી સાથે આડા સબંધ રાખવા બાબતે આરોપીએ લડાઇ ઝગડો કરી ફરીયાદી તથા અન્ય ત્રણ વ્યકિતઓને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે તે સમયે આરોપી સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ઇ.પી.કો. ૩૦૭ સહિતનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી સામે ગુન્હો સાબીત માની આરોપીને દસ વર્ષની ઇ.પી.કો. કલમ ૩૦૭ સહિતના ગુન્હા સબબ દસ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

ગઇ તા. ૭-૩-ર૦૧૯ ના રોજ ફરીયાદી પ્રવિણભાઇ શિવપ્રસાદ દવે (ઉ.વ.૬૦) રહે. સર્વોદય સોસાયટી, પાલીતાણા વાળાએ પાલીતાણા ટાઉન પો. સ્ટે.માં ફરીયાદ આપેલ કે આ કામના આરોપી દિલુભાઇ કનુભાઇ લાગાવદરા (ગઢવી) (ઉ.વ.૩૬) રહે. ગોરીજીની વાડી, પાલીતાણા વાળાને તેની દિકરી સાથે આડો સંબંધ હોય જેથી ફરીયાદીના ઘરે આરોપી આવતો જતો હોય જેથી ફરીયાદીએ આરોપીને ઘરે આવવાની ના પાડતા આરોપીએ બનાવના દિવસે ફરીયાદીના ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને ગાળો આપેલી અને તેના દિકરા વિવેક ઉફે વિકકી પ્રવિણભાઇ દવે ઉ.વ.૩૪ ને પેટના ભાગે તથા છાતીના ભાગે તથા મોઢાના ભાગે છરીના ત્રણ ઘા મારી જીવણલેણ ગંભીર ઇજા કરી ખુન કરવાની કોશીશ કરેલ તેમજ બીજા દિકરા નિહર પ્રવિણભાઇ દવે (ઉ.વ.ર૮) ને આરોપીએ પગના ભાગે તથા મોઢાના ભાગે છરી વડે ઇજા કરેલી  તથા ફરીયાદીની બાજુમાં રહેતા કુમુદભાઇ શંકરભાઇ દવે (ઉ.વ.પ૧) દેકારો સાંભળી વચ્ચે પડતા તેને પણ આરોપીએ છરીનો એક ઘા પેટના ભાગે મારી ગંભીર ઇજા કરી ગાળો આપેલી અને ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી અને જીલ્લા મેજીસ્ટ્રેટના જીલ્લા હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરેલો.

આ અંગે ફરીયાદી પ્રવિણભાઇ શિવપ્રસાદ દવે એ પાલીતાણા પો. સ્ટે.માં દિલુભાઇ કનુભાઇ લોગાવદરા સામે નોંધાવતા પોલીસે આરોપી સામે ઇ.પી.કો. ક. ૩૦૭, ૩ર૬, ૩ર૪, પ૦૪,, પ૦૬ (ર), જી.પી. એકટ-૧૩પ મુજબનો ગુન્હો નોંધ્યો હતો આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી સામે ગુન્હો સાબીત માની આરોપીને  ઇ.પી.કો. કલમ ૩૦૭ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખ્ત કેદની સજા તથા ઇપીકો ક. ૪પ૦ મુજબના ગુન્હામાં સાત વર્ષ, ઇપીકો ક. ૩ર૬ મુજબના ગુન્હામાં પાંચ વર્ષ તથા અલગ અલગ કલમોમાં રોકડ રકમનો દંડ અદાલતે ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મારા મારી સબબ આરોપી દિલુભાઇ કનુભાઇ લાંગાવદરાએ પણ પોતે સામે પોલીસ ફરીયાદ નોંધાવેલ હતી જે કામમાં સામેવાળા તમામને અદાલતે શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મુકવા હુકમ કર્યો હતો. 

(11:36 am IST)