સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

ભુજમાં ધોળે દિ'એ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો : પ્રેમિકા માટે પ્રેમીએ કરી લૂંટ

પૈસાની તંગીને કારણે પ્રેમિકાએ પોતાની કાકીને લૂંટવા પ્રેમીની સાથે ઘડયો પ્લાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : બે દિ' પહેલાં જ ભુજના ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતા કુલવંતકૌર મહેન્દ્રસિંઘ સરદાર નામના મહિલાએ પહેરેલ સોનાના દાગીનાની બુકાનીધારી યુવાનો દ્વારા ચલાવાયેલ લૂંટનો ભેદ એલસીબી, ભુજ બી ડિવિઝન પોલીસ અને પેરોલ ફલો સ્કવોડે સાથે મળી ઉકેલી લીધો છે.

ભુજ બી ડિવિઝનના એએસઆઈ પંકજ કુશ્વાહાને મળેલી બાતમીને પગલે લૂંટના બનાવમાં માધાપર જૂનાવાસની જડીયા સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં કિલનર તરીકે કામ કરતા ૨૦ વર્ષિય ગુરનામસિંઘ કરમજીતસિંઘ સરદાર દબોચી લેવાયો છે. આરોપીએ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે કુલવંતકૌરની પડોશમાં રહેતી તેની ભત્રીજી સાથે તેને પ્રેમસંબંધ છે. ભોગગ્રસ્તની ભત્રીજીને નાણાંની જરૂરત ઊભી થતાં તેને આરોપીને એટલે કે તેના પ્રેમીને પોતાની જ કાકીના ઘરેણા લૂંટવાનું જણાવ્યું હતું. અને બપોરે કાકા ઘરેથી જમીને નીકળે ત્યારબાદ કાકી ઘરે એકલાં હોય ત્યારે લૂંટ કરવાનું આયોજન ઘડ્યું હતું. ગુનામાં ગુરનામે શાળાના જૂના સહાધ્યાયી અને ભુજની રાવલવાડીમાં રહેતાં તરૂણ વયના મિત્રને સાગરીત બનાવ્યો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો ત્યારે પોલીસે બનાવનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે.

પીઆઈ આર.ડી.ગોજીયાએ જણાવ્યું હતું કે ગુનામાં પ્રેમિકાને આરોપી તરીકે ઉમેરી તેની ધરપકડ કરવાની તેમજ વેચાયેલો મુદ્દામાલ રીકવર કરવાની પ્રક્રિયા ચાલું છે. બનાવ અંગે આગળની તપાસ પીએસઆઈ વી.આર.ઉલવા ચલાવી રહ્યા છે.

(10:42 am IST)