સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

લાઠી અને કચ્છના નખત્રાણામાં અડધો ઇંચઃ અમરેલીમાં ઝાપટા

રાજકોટ તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે અમરેલીના લાઠી અને કચ્છનાં નખત્રાણામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે અમરેલીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે જોકે અનેક જિલ્લાઓમાં ભારે બફારા વચ્ચે રાજયના અરવલ્લી, દાહોદ અને કચ્છમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અને અમલાઇમાં ભારે વરસાદ પડયો છે. વરસાદ વરસતા જ લોકો ખુશખુશાલ થયા હતા જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે.

દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ વરસ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. દિવસભરના ગરમીના માહોલ બાદ સમગ્ર જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને લિમડીમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો.

(3:47 pm IST)