સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

પીપાવાવધામથી રાજુલા વચ્ચે વિદ્યાર્થીના અનુકુળ સમય મુજબ બસ ચાલુ કરવા રજૂઆત

સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા વિભાગીય નિયામક અમરેલીને લેખિત રજૂઆત

રાજુલા, તા. ૨૪ : રાજુલા તાલુકાના પીપાવાવ નામના મહિલા સરપંચ દ્વારા હંસાબેન ભાણાભાઈ ગુજરીયા દ્વારા વિભાગીય નિયામકને લેખિત પત્ર લખીને રજૂઆત કરી હતી કે ગામના તથા આસપાસના ગામોના ૫૦ થી વધુ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રાજુલાની વિવિધ શાળાઓમાં અભ્યાસ માટે પીપાવાવ ધામ થી સવારે ૬:૩૦ કલાકે અને ૧૧ તેમજ રાજુલાથી બપોરે ૧ કલાકે તથા સાંજે ૫:૩૦ કલાકે દરરોજ અપડાઉડ કરે છે.

પરંતુ સમયસર બસ ના મળવાનાં કારણે વિધાર્થીઓને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે અમારા ગામમાં એકપણ બસ હાલમાં ચાલતી ના હોવાના કારણે ૨ કિમી વિકટર બસ સ્ટેશન ચાલીને જવું પડે અથવા ૧.૫ કિ.મી જોલાપુરના બસ સ્ટોપ પર ચાલીને જવું પડે છે તેના કારણે વિધાર્થી સમયસર શાળાએ પહોંચી શકતા નથી તેની અસર અભ્યાસ પર પડે છે તેમજ અમારું ગામ સૌરાષ્ટ્રનાં પ્રાચીન ધાર્મિક યાત્રા ધામો માંથી એક છે પરંતુ યાત્રાળુઓને પણ પીપાવાવ ધામ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો નો સહારો લેવો પડે છે.

પીપાવાવ ધામમાં રણછોડરાય જી નું સુપ્રસિદ્ઘ ઐતિહાસિક મંદિર આવેલ છે છતાં પણ એકપણ બસ મુસાફરો માટે હાલમાં ચાલુ નથી આથી વિધાર્થીઓ તથા મુસાફરો માટે સવારે ૬:૩૦ કલાકે તથા ૧૧ કલાકે અને રાજુલા થી આવવા માટે બપોરે ૧ કલાકે તથા સાંજે ૫:૩૦ કલાકે લોકલ બસ અમારા ગામની અંદરથી ચાલુ કરવામાં આવે તેવી અમારા ગામના વિધાર્થી અને ગ્રામજનો વતી આપની પાસે માંગણી છે જો આગામી દિવસોમાં આ બાબતે આપની કચેરી વિધાર્થીઓનાં સમય મુજબ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમારે ના છુટકે વિધાર્થીઓનાં હિત માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની જવાબદારી એસટી વિભાગ તથા સરકારશ્રી ની રહેશે તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવે.

આ બાબતે ગુજરાત જન ચેતના પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ ભાણાભાઈ ગુજરીયા અને સામાજિક આગેવાન અજય શિયાળ દ્વારા રાજુલા ડેપો મેનેજર સાથે ચર્ચા કરી હતી તેમાં ડેપો મેનેજર દ્વારા વિધાર્થી માટે આગામી દિવસોમાં બસ ચાલુ કરવા માટે ખાતરી આપી હતી.

(12:13 pm IST)