સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

પાટણવાવના ઓસમ ડુંગરે સુપેડીના મુરલી મનોહર મંદિરે સામૂહિક યોગ સાધના

 ધોરાજી, તા. ર૪ : પાંચમાં વિશ્વ યોગ દિનની શુભ પ્રભાતે રાજય સરકારના યોગ સાધનાના પ્રોત્સાહક અભિગમ અંતર્ગત રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગ અને વહીવટી તંત્રના માર્ગદર્શન અંતર્ગત ઐતિહાસિક નેશનલ હેરિટેજ હિલ સ્ટેશન ઓસમ પર્વત (ડુંગર) પાટણવાવ અને શિલ્પ સ્થાપત્યની સોળમી સદીના સ્થાપત્યના બેનમૂન પૌરાણિક શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી અને જેતપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર (જલારામ)માં ૧૧મી સદીમાં બંધાયેલા મીનળવાવના સાનિધ્યમાં યોગ સાધકો દ્વારા વહેલી સવારે સૂર્યનમસ્કાર અને વિવિધ યોગાસન કરી યોગની સાધના કરી હતી.

ધોરાજીના પાટણવાવ ગામે આવેલ નેશનલ હેરિટેજ હિલ સ્ટેશન ખાતે ૪૦૦થી વધુ યોગસાધક યુવાનો અને ગ્રામજનોએ પ્રકૃતિના ખોળે ઇતિહાસની સાક્ષી સમાન ઓસમ પર્વતના સાનિધ્યે યોગ સાધનાને ઉજાગર કરી હતી અને ૧૬મી સદીના શિલ્પ સ્થાપત્યના બેનમૂન પૌરાણિક શ્રી મોરલી મનોહર મંદિર સુપેડીના પટાગણમાં સરસ્વતી શિશુમંદિર ભૂતવડના યોગ સાધક યુવા વિદ્યાર્થીઓએ પ્રાણાયામ યોગ અને સૂર્યનમસ્કાર કરી યોગ સાધનાથી નિરોગી અને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપેલ હતો. જયારે જેતપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ) માં સ્થિત પૌરાણિક મીનળવાવના સાનિધ્યે યુવક મંડળના યુવાનો યોગાસન, પ્રાણાયામ કરીને વિશ્વ યોગ દિવસે અનોખો યોગસંગમ રચીને નિરોગી અને તંદુરસ્ત રહેવા સૌને પ્રેરણા પૂરી પાડેલ હતી.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યમાં પાટણવાવ ખાતે શ્રી ડો. મનસુખ પેથાણી, શ્રી કિંજલબેન પેથાણી, શ્રી પી.પી. ખોરાશિયાએ યોગસાધનામાં સેવા આપેલ સુપેડી ખાતે શ્રી હેમંતભાઇ કયાડા તેમજ મંદિરના મહંતશ્રી રવિદાસજીએ અને વીરપુર જલારામમાં શ્રી શ્રી રવિશંકર આશ્રમ બેંગલુરૂના યોગ ગુરૂ શ્રી શૈલેષભાઇ વણપરીયાએ યોગસાધના કરાવવામાં તેનું યોગદાન આપ્યું હતું.

(10:12 am IST)