સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th June 2019

સાવરકુંડલામાં કિન્નર સમાજના મહોત્સવનો પ્રારંભ

વરઘોડો, શોભાયાત્રા, ભોજન પ્રસાદ, લોકડાયરામાં માનવ મેદની ઉમટી

સાવરકુંડલાઃ તસ્વીરમાં કિન્નર સમાજ દ્વારા આયોજન વરઘોડાનું સ્વાગત અને આશિર્વાદ મેળવતા નગરપતિ વિપુલભાઇ ઉનાવા નજરે પડે છે(તસ્વીરઃ દિપક પાંધી-સાવરકુંડલા)

સાવરકુંડલા તા.ર૪ : સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પ્રથમવાર જ સાવરકુંડલા ખાતે કિન્નર સમાજ દ્વારા કિન્નર મહોત્સવ ઉજવાઇ રહ્યો છેે.

તા.૧૯/૬ થી ર૭/૬ સુધી ચાલનારા આ કિન્નર મહોત્સવમાં દરરોજ ધાર્મિક પુજા પાઠ-વિધિ સાથે વિવિધ જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.ર૩/૬ ના રવિવારના રોજ આખો દિવસના ભરચક આયોજનોમાં સવારે ૯ કલાકે મોસાળુ-૧૦ કલાકથી વરઘોડો કાઢવામાં આવેલા જે શહેરના મુખ્ય-મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો.

વરઘોડોના દર્શન કરવા રૂટ ઉપર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા વરઘોડાનું સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવાએ સ્વાગત કરી આશિર્વાદ મેળવ્યા હતા. સાંજે આઠ કલાકે આમંત્રીતો અને શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને રાત્રે મણીભાઇ ચોક ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો.

કિન્નર સમાજના અગ્રણી કાજલ દેશ્યાદે અને ખુશીદે કાજલ દે દ્વારા આયોજીત આ સમગ્ર કાર્યક્રમમાં મહેશભાઇ સુદાણી-જીવનભાઇ વેકરીયા-માહેશભાઇ રાજયગુરૂ, રાજુભાઇ દોશી સહિતના શહેરના અગ્રણીઓએ સહકાર આપ્યો હતો તો માતાજીના પરમ ઉપાસક કિન્નર સમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો શહેરીજનોએ પણ લહાવો લીધો હતો તો બહારગામથી પણ મોટી સંખ્યામાં ભાવીકજનો સાવરકુંડલા ખાતે ઉજવાઇ રહેલા કિન્નર મહોત્સવમાં આવ્યા હતા.(૬.૧૧)

 

(12:02 pm IST)