સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

વીરપુરના મેવાસા રોડ પરના ત્રણ જેટલા તળાવો રીપેરીંગ કરવા ખેડૂતોની માંગણી

પાણીના ચેકડેમ અને તળાવો લીકેજ હોય ધરાર રીપેર નહિ કરતા તળાવો ક્રિકેટના મેદાન બન્યા અને ખેડૂતોને પિયત વગર રોવાનો વારો આવ્યો

રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ગત ચોમાસા દરમિયાન પૂરતા વરસાદના પગલે અહીંના નદી નાળાઓ અને તમામ ચેક ડેમો છલકાઈ ગયા હતા, જેમાં વીરપુરની 3 જેટલા ચેકડેમો અને તળાવ પણ છલકાઈ ગયા હતા,જેમાં સરયામતી નદી ઉપર આવેલ અને વીરપુરની મેવાસા જવાના રસ્તે આવેલ છે અને જેમાંથી ખેડૂતોની અંદાજિત એક હજાર વિઘાથી વધુ જમીનમાં પિયત માટે પાણી પૂરું પાડતા હતા, ગત ચોમાસામાં આ 3 ચેકડેમ તેમજ તળાવ છલોછલ થઇ ગયા હતા, પરંતુ પાણીના વધારે વહેણ અને નબળા કામકાજ ને કારણે આ તળાવો લીકેજ થવાનું શરૂ થયું હતું અને ખેડૂતો દ્વારા સબંધિત અધિકારીઓને ધ્યાન દોરવામાં આવેલ હતું. ચોમાસાંમાં પાણીથી છલોછલ ભરાઈ ગયા બાદ જયારે પાણીની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ આ પાણી વહીને ચેકડેમ તળાવ ખાલી થઇ જાય છે, આ તળાવના કાંઠે આવેલ ખેડૂતોની એક હજાર વીઘા જમીનમાં પિયતનું પાણી મળતું હતું ને ઉનાળા દરમિયાન ખેડૂતો વધુ ઉપજ અને પાક લઈ શકતા હતા સાથે ચોમાસા પહેલા પણ ઓરવાણ કરીને પાકનું વાવેતર થઇ શકતું પરંતુ તંત્રની બેદરકારીને લઈને આ તળાવ રીપેર ન થતા બધું પાણી વહી જાય છે અને ખેડૂતોને મોટી મુશ્કેલી સર્જાય છે ત્યારે આ ખેડૂતોની અનેક રજુઆત અને ફરિયાદ સરકારના બેરા કાને અથડાઈ છે, અને આ તળાવો તેમજ ચેકડેમોની કોઈ નક્કર કામગીરી થતી નથી.

તંત્રની  બેદરકારીએ વીરપુરના ખેડૂતને પિયત માટે ઉપયોગી આ મોટા તળાવો અને ચેકડેમો હાલ તો સુકાઈ ને ક્રિકેટના મેદાન બની ગયા છે, ચોમાસુ નજીક છે ત્યારે સરકાર આ તળાવો સમયસર રીપેર કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે પરંતુ આ બાબતે જવાદાર અધીકારીઓ તો આ બાબતે જવાબ આપવા માટે સામે આવવા પણ તૈયાર નથી.

 ચોમાસાને હજુ વાર છે ત્યારે સ્થાનિક ખેડૂતો તેમજ લોકોની માંગ સાથે સરકાર નક્કર કામગીરી કરેતો આવતા વર્ષે અહીં આ તળાવો પાણીદાર બને ને ખેડૂતો અને અહીંની જમીન માટે વરદાન રૂપ બની શકે છે, ત્યારે આ સુકાઈ ગયેલ તળાવોને ફીરીથી નવજીવીત કરવા માટે સરકારે જાગૃત થવાની જરૂર છે.

(11:35 pm IST)