સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

પીએમની સુરક્ષા માટે ૩૦ કમાન્‍ડોની ટીમ આવીઃ આટકોટમાં નિરીક્ષણ

બીજા ૩૦ કમાન્‍ડો સાંજે રાજકોટ આવશેઃ તમામ જીલ્લા પોલીસના હવાલેઃ કલેકટરે પ્રોટોકોલ સુરક્ષા અર્થે ૧પ કમીટી બનાવીઃ આટકોટ ખાતે મીટીંગ શરૂ... : વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પર આવશે કે સીધા જશે તે સાંજે ફાઇનલ થશેઃ પાંચ ડે. કલેકટરો-મામલતદાર-સ્‍ટાફના ઓર્ડરો : વડાપ્રધાનનો ર૮મીએ ૧૦ વાગ્‍યે કાર્યક્રમઃ ૩પ થી ૪૦ મીનીટ પ્રવચન આપશેઃ મુખ્‍યમંત્રીનું ૧૦ મીનીટનું સંબોધન રહેશે

રાજકોટ તા. ર૪: આગામી ર૮મીના શનિવારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આટકોટમાં ૪૦ થી ૪પ કરોડના ખર્ચે બનાવાયેલ અદ્યતન હોસ્‍પીટલનું ઉદ્દઘાટન તથા લોકાર્પણ અર્થે આવી રહ્યા છે, વડાપ્રધાન આવી રહ્યા તેમની સુરક્ષા-પ્રોટોકોલ સંદર્ભે બ્‍લૂબૂક મુજબ રાજકોટ કલેકટર તંત્રે પોલીસ .સહિત તમામ વિભાગને સાંકળી આખી ૧પ કમિટી અને તેના વડા અને સભ્‍યોની નિમણુંક કરતા ઓર્ડરો કયાં છે, આજે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબૂ પોતે ૧રાા વાગ્‍યા બાદ આટકોટ દોડી ગયા છે, ત્‍યાં હેલીપેડ સભા સ્‍થળ-ભોજન સ્‍થળ સહિતની બાબતોનું નિરિક્ષણ કર્યું છે, અને જે ૧પ કમિટી બનાવી છે તે તમામની બપોરે ૧ વાગ્‍યાથી મીટીંગ શરૂ કરી છે.

દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા સંદર્ભે SPG-બ્‍લેક કેટ કમાન્‍ડોની ૩૦ કમાન્‍ડોની એક ટીમ આજે સવારે રાજકોટ આવી પહોંચી હતી, અને આ આખી ટીમ આટકોટ ખાતે અને આસપાસના ર કિ.મી.ના વિસ્‍તારમાં નિરિક્ષણ કરી રહી છે, આ ઉપરાંત સભા સ્‍થળ, બનાવાયેલ ૪ હેલીપેડ, ભોજન સ્‍થળ, વીઆઇપી, VVIP, અને જનરલ પાર્કીંગ, ડોમ-સ્‍ટેજ વિગેરે તમામ બાબતો ચકાસી રહ્યા છે.

કલેકટર કચેરીના અધીકારી સૂત્રોના કહેવા મુજબ આ ઉપરાંત સુરક્ષા સંર્દભે SPG કમાન્‍ડોની અન્‍ય એક ટીમ આજે સાંજે આવી પહોંચશે. આ તમામ ૬૦ જવાનો જીલ્લા પોલીસના હવાલે રહેશે, તે લોકોની રહેવા-જમવા સહિતની વ્‍યવસ્‍થા જીલ્લા પોલીસ તંત્ર કરી રહ્યું છે.

અધીકારી સાધનોએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન-PMO હાઉસમાંથી તેમનો કેટલો સ્‍ટાફ આવશે તે હજુ જાહેર થયું નથી, પરંતુ તે લોકો માટે પણ વ્‍યવસ્‍થા કરાઇ રહી છે, તેમજ નરેન્‍દ્રભાઇ રાજકોટ એરપોર્ટ પર ઉતરી-હેલીકોપ્‍ટર મારફત આટકોટ જશે કે અમદાવાદ-ગાંધીનગરથી સીધા જશે તે તમામ બાબત આજે સાંજે ફાઇનલ થઇ જશે.

કલેકટરે પાંચ ડે. કલેકટરો-મામલતદારો અને તેમના સ્‍ટાફની ફોજ ઉતારી છે, સીટી-૧ પ્રાંત, MDMના ડે. કલેકટરને રાજકોટ એરપોર્ટ, બે ડે. કલેકટરને આટકોટ સ્‍ટેજ ખાતે તથા ૧ થી ર ડે. કલેકટર-મામલતદારોને આટકોટમાં ઉભા કરાયેલ ૪ હેલીપેડનો હવાલો સોંપાયો છે.

કલેકટર દ્વારા સ્‍ટેજ, PMO-સુરક્ષા-હેલીપેડ-એરપોર્ટ, પાર્કિંગ સહિતની બાબતે વ્‍યવસ્‍થા કરી રહ્યું છે.

આટકોટ ખાતે શ્રી નરેન્‍દ્રભાઇ ૧૦ વાગ્‍યા બાદ હોસ્‍પીટલનું ઉદ્દઘાટન કરશે, રાઉન્‍ડ પણ લગાવે તેવી શકયતા છે, તેમજ સભા સ્‍થળે તેમનું ઉદ્દબોધન ૩પ થી ૪૦ મીનીટનું અને રાજયના મુખ્‍યમંત્રીનું ઉદબોધન૧૦ થી ૧ર મીનીટનું રહે તેવી શકયતા છે. (૭.૩ર)

ઓગષ્‍ટ-સપ્‍ટેમ્‍બરમાં વડાપ્રધાન ફરી રાજકોટ આવશેઃ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ૫૦૦૦ કરોડના લોકાર્પણનો ગોઠવાતો તખ્‍તો

આગામી ર૮મીએ વડાપ્રધાન આટકોટ આવ્‍યા બાદ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ઓગષ્‍ટ-સપ્‍ટેમ્‍બરમાં ફરી રાજકોટ આવી રહ્યાનું કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું: જીલ્લા કલેકટર તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટ સહિત કૂલ પ હજાર કરોડના લોકાર્પણો ખાતમુહુર્ત અંગે  તૈયારીઓઃ તમામ બાબતો આવરી લેવાઇ (૭.૩૦)

(3:25 pm IST)