સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

સોનાનો હાર વેંચવા જતા જુનાગઢના સોનીની સર્તકતાના લીધે વધાવી ગામના પરિવારનો પડી ગયેલ થેલો પરત મળ્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.ર૪: જિલ્લાના વધાવી ગામ ખાતે રહેતા ભીમાભાઇ જૉગલના દીકરા અને તેના પત્ની કોઈ વ્યવહારિક કામ સબબ કેશોદ ટાઉન ખાતે ગયેલા હતા અને પોતાનો થેલો રસ્તામાં ક્યાંક પડી જતા, ચાર તોલાના સોનાના હાર સાથે પડી જતા, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી. દરમિયાન જૂનાગઢ ખાતે સોની વેપારી અજીતભાઈ સોનીની દુકાને એક યુવક શુભમ યાદવ સોનાનો હાર વહેંચવા આવતા, હોલમાર્ક પોતાની દુકાનનો જ હોય, આ સોનાના હોલમાર્ક અને નંબર આધારે યુવકની જાણ બહાર ચેક કરતા આ સોનાનો હાર ભીમાભાઇ જોગલ, રહે. વધાવી ગામવાળા ખરીદ કરી, લઈ ગયેલ હોઈ, આવેલ યુવકને પૂછતા, આ યુવક ક્ષોભ જનક સ્થિતિમાં મૂકાઈ ગયેલ હતો અને સોની વેપારી પાસે પોતાને આ હાર સાથેની એક બેગ કેશોદ રોડ ઉપરથી મળ્યાની કબૂલાત કરી હતી અને ખાત્રી તથા યોગ્ય બદલો આપે તો, આપી દેવાની વાત સોની વેપારીને કરતા, સોની વેપારી યુવક સાથે જૂનાગઢ કચેરી આવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને મળી, સમગ્ર હકીકત જણાવેલ હતી.

પીઆઇ બી.બી.કોળી, સ્ટાફના હે.કો. જયેશભાઇ શામળા, સંજયસિંહ, સહિતની ટીમ સાથે સંકલન કરીને ગુમ થયેલ થેલા બાબતે વિગત જાણી, વધાવી ગામના ભીમાભાઇ જોગલને પણ રૃબરૃ બોલાવી, ખાત્રી કરીને ચાર તોલા સોનાનો હાર સહિતની બેગ સોની તથા યુવાનની હાજરીમાં સોંપવામાં આવી હતી. પોતાની વીસેક દિવસ પહેલા ગુમ થયેલ આશરે બે લાખના સોનાના ઘરેણા સહિતની બેગ સોની વેપારી અજીતભાઈ સોનીની સતર્કતાના કારણે પરત મળતા, વધાવી ગામના ખેડૂત ભીમાભાઇ જોગલ દ્વારા જૂનાગઢ પોલીસ, સોની વેપારી અને યુવક શુભમ યાદવનો આભાર વ્યકત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ સોની વેપારી અજયભાઈ સોનીની સતર્કતાની સરાહના કરી, ચાર તોલાનો સોનાનો હાર, લોભ લાલચમાં પડ્યા વગર, મૂળ માલિકને પરત સોંપવામાં મદદ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું અને સોનાનો હાર જેને મળ્યો હતો, એ યુવકને ઠપકો આપી, હવે પછી કોઈની કિંમતી વસ્તુ મળે તો, વહેંચવા નહિ જવા અને પોલીસને જાણ કરવા સમજ કરી હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સામાન્ય કુટુંબના ખેડૂત અરજદારને પોતાનો સોનાનોં કીમતી હાર પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે ફરીવાર સાર્થક કર્યું હતું.

(1:54 pm IST)