સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ભાવનગરમાં કારર્કિદી માર્ગદર્શન સેમીનાર

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મહિપતસિંહ ચાવડા સાહેબનાં પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કારર્કિદી માર્ગદર્શન સેમિનાર યોજાયેલ હતો.

દિપ પ્રાગટય બાદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.મહિપતસિંહ ચાવડાનું સ્વાગત કરી સ્મૃતિપ્રતીક વડે અભિવાદન કરવામાં આવ્યું. કાર્યકારી આચાર્યશ્રી ડો.કેયૂરભાઇ દસાડિયા દ્વારા શાબ્દિક સ્વાગત બાદ કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. ઉપરાંત ધોરણ-૧૨ આર્ટસ-કોમર્સ પછી કયાં કયાં ક્ષેત્રોમાં અભ્યાસની તકો રહેલી છે તે બાબતનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ધોરણ-૧૨માં ના પરિણામ બાદ યુનિવર્સિટીની આર્ટસ તથા કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવાનું છે તેનો પરિચય તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવેલ. તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કુલ ૩૧ આર્ટસ કોલેજ હેલ્પ સેન્ટર તરીકે કાર્ય કરશે. વિદ્યાર્થી હેલ્પ સેન્ટર પરથી વિના મૂલ્યે સરળતાથી ફોર્મ ભરી શકે તે અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે કોઇપણ વિદ્યાર્થી કે વાલીને મુશ્કેલી ન પડે તે હેતુથી આ સેમિનારનું આયોજન શામળદાસ કોલેજમાં કરવામાં આવેલ. કોઇપણ વિદ્યાર્થીને એક જ ફોર્મ ભર્યાથી વિવિધ કોલેજોમાં પ્રવેશની તક મળે તે માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને તેમજ વાલીઓએ પણ આ સેમિનારનો લાભ લીધેલ. સેમીનારની તસ્વીર.

(12:00 pm IST)