સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

દાઉદી વ્હોરા સમાજમાં રવીવારે લૈલતુલ કદ્રઃ સૌરાષ્ટ્રભરની વ્હોરા મસ્જિદો રાતભર ગૂંજી ઉઠશે!

જસદણ તા.૨૪: દાઉદી વ્હોરા સમાજમાં આગામી રવીવારના ઇસ્લામધર્મમાં પવિત્ર લેખાતી લૈલતુલ કદ્રની ઉજવણીમાં સુર્યાસ્તથી સુર્યોદય સુધી રાતભર ઇબાદતનો આલમ રહેશે. આ અંગે સૌરાષ્ટ્રભરમાં વસતા હજારો વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે. હાલ વ્હોરા સમાજમાં પવિત્ર રમઝાનમાસ ચાલી રહ્યો છે આજે શુક્રવારે મીસરી કેલેન્ડર મુજબ રમઝાન માસનું ૨૦મુ રોઝુ છે અને રવીવારે ૨૨માં રોઝાએ લૈલતુલ કદ્ર રાત્રિમાં સૌરાષ્ટ્રના રાજકોટ,જસદણ,ભાવનગર,જામનગર, ધ્રોળ, જામખંભાળીયા, બોટાદ, શિહોર, પાલીતાણા, ગોંડલ, ધોરાજી, જેતપુર, જુનાગઢ, પોરબંદર સુરેન્દ્રનગર, વાંકાનેર, તળાજા, સાવરકુંડલા અમરેલી, બાબરી, લીલીયા, શિતલ, તળાજા, વઢાણ, વંથલી, કોડીનાર, ધારી, ચલાળા, બગસરા, વિંછીયા, જસદણ, વિસાવદર,કોટડા સાંગાણી, ધ્રાંગધ્રા, શાપુર, ગારીયાધાર, દામનગર, જેવા અનેક ગામોમાં રવીવારે રાતભર અલ્લાહની ઇબાદત થશે.

આ રાત્રિમાં સૌરાષ્ટ્રની દરેક વ્હોરા મસ્જિદોમાં નયનરમ્ય રોશની અને ફુલોના શણગાર વચ્ચે ઇબાદત મધમધી ઉઠશે.

કેટલીંક ઇસ્લામી કિતાબોમાંથી જાણવા મળેલ છે કે લૈલતુલ કદ્રની રાતમાં ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફના અવતરણનો પ્રારંભ થયો હતો. તેથી આ રાત્રિનું અનેક ગણું મહત્વ છે. કહેવાય છે કે આ મહાન રાત્રિમાં જે હદય ભીંજવી અલ્લાહની ઇબાદત કરશે એની પર રાતભર રહેમત વરસતી રહે છે. અને તેનું નશીબ પણ આકાશ જેટલી ઉંચાઇ સર કરશે. પાક રમઝાન સમાપ્ત થવાને ફકત દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે વિશ્વ સહિત સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરો સમયસર રોઝા નમાઝ, જકાત જેવી ફરજો અદા કરી રહ્યા છે. ત્યારે રવીવારે દાઉદી વ્હોરા સમાજના ૫૩માં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લ'' સૈફુદ્દીને (ત.ઉ.શ)ના પ્રતિનિધિઓની આગેવાની હેઠળ રાતભર અલ્લાહની સરાધનામાં લીન રહેશે. જસદણમાં પણ તાજદાર ડો.સૈયદના સાહેબના પ્રતિનિધિ કુસૈયભાઇ સાહેબ નોમાની આવેલ છે.

ગુરૂવારે સૌરાષ્ટ્રભરની વ્હોરા મસ્જિદોમા સ્ત્રી પુરૂષો અને બાળકો ફાતેમી દઅવતના પરંપરાગત વસ્ત્રોમાં સાંજથી એકત્ર થઇ સવાર સુધી ઇબાદતમાં લીન રહેશે. બાળકો રાતભર જાગે તે માટે સાથે ભાગની વેરાયટી પણ હશે.

આમ બાળકોના ભાગ સાથે મોટેરા પણ મજાની સાથે રાતભર ઇબાદત કરશે.

(11:42 am IST)