ભાવનગરમાં આઠ વર્ષની બાળાનો પીછો કરતા શખ્સને ટોળાએ ઝડપી લીધો
ભાવનગર તા. ૨૪ : શહેરમાં છેલ્લા ૫ દિવસથી ટ્યુશન કલાસમાં જતી ૮ વર્ષીય બાળકીનો પીછો કરતા શખ્સને ટોળાએ ઝડપી પોલીસને સુપરત કર્યો હતો.
શહેરના પરા વિસ્તારમાં રહેતી આ બાળા તેના ઘરેથી ભાવનગર રાજકોટ રોડ પર આવેલા ટ્યુશન કલાસમાં જતી હતી. તે દરમિયાન છેલ્લા ૫ દિવસથી જેલ રોડ પર આવેલી શ્રમ નીકેતન સોસાયટીમાં રહેતો દેવેન્દ્ર બાબુભાઇ બિલ નામનો શખ્સ તેનો પીછો કરતો હતો, જેના કારણે બાળા ભયભીત હતી.
દરમિયાન મંગળવારે આ શખ્સે બાળાને ઉભી રાખી પોતાનો મોબાઈલ નંબર આપી તેણીનો મોબાઈલ નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પીછો કરતા તેના ઘર સુધી પહોંચીને આંટાફેરા કરવા લાગ્યો હતો. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ રોડ રોમિયોને ઝડપી લીધો હતો. તેમજ નિલમબાગ પોલીસને સુપરત કર્યો હતો. બનાવના પગલે માસૂમ બાળાના માતાની ફરિયાદ લઇ દેવેન્દ્ર વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.