સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

ખંભાળીયામાં બે દિ'માં કોરોનાથી વેપારી દંપતિનું મોત

એક જ દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬ મોત : સરકારી - ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ - બિનકોવિડ - ૩૦ મૃતદેહો સ્મશાને મોકલાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૪ : દેવભૂમિ જિલ્લામાં કોરોનાને કારણે દશ દિવસમાં પિતા - પુત્ર, પતિ-પત્નીના મોત નિપજ્યાના કરૂણ બનાવો નોંધાયા છે. જેમાં ગઇકાલે એક વધુ કરૂણ ઘટના બની છે.

ખંભાળીયાના જાણીતા સોની વેપારી પ્રવિણભાઇ આસોટાવાળાના ધર્મપત્ની કિરણબેનનું ગઇકાલે રાત્રે કોરોનામાં સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું તે પછી આજે વહેલી સવારે તેમના પતિ તથા સોની સમાજના અગ્રણી પ્રવિણભાઇનું પણ મૃત્યુ થતાં સોની સમાજમાં ભારે આઘાતની અને શોકની લાગણી ફેલાઇ હતી.

ખંભાળિયા પુષ્કર્ણા બ્રહ્મસમાજના ટ્રસ્ટી સ્વ. મુળુભાઇના ધર્મપત્ની પણ ગઇકાલે શ્વાસની તકલીફને કારણે મૃત્યુ પામ્યા હતા.

ગઇકાલે ખંભાળીયાની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી ૨૨ મૃતદેહોની અંતિમવિધિ માટે ખંભાળીયાના સ્મશાનમાં મોકલવામાં આવ્યા હતા તો આજે સવારથી પણ મૃતદેહો ચાલુ થતાં આજે પણ કોવિડ - બિનકોવિડમાં વધુ આઠના મૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે. જેની બે દિવસમાં ૩૦ વ્યકિતઓના કોવિડ તથા બિનકોવિડમાં મૃત્યુ થયા છે. આ તમામના મૃતદેહોને ખંભાળીયા સ્મશાનમાં પહોંચાડવા માટે ખંભાળિયા પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

ગઇકાલે એક સાથે પાંચ જગ્યાએ અંતિમવિધિ થતી હતી તો ઇલેકટ્રીક સ્મશાનમાં પણ લાઇન લાગી હતી.

ખંભાળીયાના સામાજિક કાર્યકર જગુભાઇ રાયચુરા તથા પાલિકા સદસ્ય અને મેડીકલ સ્ટોર એસો. પ્રમુખ હિતેશભાઇ ગોકાણીએ સ્મશાન વ્યવસ્થા અંગે મુલાકાત લીધી હતી તથા વ્યવસ્થામાં મદદરૂપ થયા હતા.

(1:12 pm IST)