સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

તળાજા વિસ્તારમાં પોલીસને ૨૪ કલાક દરમિયાન માત્ર બે કેળા મળ્યા જમવામાં

તળાજા, તા.૨૪:  તળાજા વિધાનસભા મત ક્ષેત્રમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પોતાના જ વિભાગના મિસ મેનેજમેન્ટનું ભોગ બનવું પડયુ હતું. બે ટંકના રોટલાને લઈ એવી ફરિયાદ ઉઠવા પામી હતી કે ચોવીસ કલાક દરમિયાન મળવા જોઈતા ફૂડ પેકેટના બદલામાં માત્ર બે કેળા જ મળ્યા હતા!

લોકશાહીનું મહાપર્વ ગુજરાતભરમાં મતદાનને લઈ ઉજવાયુ. પણ તળાજા વિધાનસભા મત ક્ષેત્રમાં જે પોલીસ કર્મીઓ ફરજ બજાવતા હતા તેમના માટે ભોજનની બાબતને લઈ આકરું અને યાદગાર બની રહ્યાની ફરિયાદ પોલિસ વર્ગમાંથી ઉઠવા પામેલ.

જાણવા મળતી વિગતોમાં બપોરથી પોલીસ જવાનોએ બૂથ નો મોરચો સંભાળી લીધો હતો. મતદાન બૂથ ખાતે કાયદો વ્યવસ્થા જાળવવા પહોંચેલ પોલીસ જવાનોને પોતાનાજ વિભાગ દ્વારા જમવાની એટલે કે ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પણ ચોવીસ કલાકમાં ફૂડપેકેટ ના બદલે માત્ર બે કેળા જ મોકલવામાં આવ્યા હતા. એ પણ કેટલાક પોલીસને તો બપોરના ચાર વાગ્યે મળ્યા એ કેળાની છાલ પણ કાળી થઈ ગઈ હતી. એટલે કે ખાવા લાયક ન હતા.

બીજી તરફ એવી પણ વાત જાણવા મળી હતી કે તળાજા શહેરમાં અમદાવાદથી મહિલા પોલીસ મુકવામાં આવેલ. આ મહિલા પોલીસને જમાડવાની જવાબદારી સ્થાનિક હોમગાર્ડના માથે થોપવામાં આવી હતી.

એટલું જ નહિ હોમગાર્ડ ને પણ અહીં રાતના ફૂડ પેકેટ મળવા જોઈએ તે મળ્યા જ ન હતા આથી ઘરે જઈ ભોજન ગત રાત્રી દરમિયાન લેવું પડયુ હતું.

(11:54 am IST)