સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જૂનાગઢ લોકસભા બેઠક માટે ર.૩૪ ટકા મતદાન ઘટતા ઉમેદવારોમાં ઉચાટ

માણાવદર વિધાનસભા પેટા ચુંટણીમાં પણ ર.૩૩ ટકા મત ઘટયા

જુનાગઢ તા. ર૪: જૂનાગઢ લોકસભા બેક માટે ર.૩૪ ટકા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં ર.૩૩ ટકા મતદાન ઘટતા ઉમેદવારો ઉચાટ સાથે મુંઝવણમાં મુકાય ગયા છે.

જૂનાગઢ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી માટે ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

જૂનાગઢ લોકસભા બેઠકની કુલ ૧૬,૪૧,પર૮ મતદારોમાંથી ૯,૯૬,૯૧પ મતદારો એટલે ૬૦.૭૩ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ ૭૦.૮પ ટકા મતદાન સોમનાથ વિધાનસભા મતક્ષેત્રનાં મતદારોનું હતું અને સૌથી ઓછું પ૩.૦૧ ટકા મત વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પડયા હતા.

કુલ ૮૭,૧૯ર પુરૂષ અને ૭૦,૬૧૮ સ્ત્રી ઉપરાંત અન્ય ૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૧ર ઉમેદવારોનાં રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ કર્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ અને વીવીપેટ જૂનાગઢ કૃષિ યુનિ.નાં સ્ટ્રોંગ રૂમમાં કડક જાપ્તા વચ્ચે સીલ કરી દેવાયા હતા.

હવે ર૩ મે નાં રોજ પરિણામ થશે. જૂનાગઢ લોકસભા બેઠકની ગત ર૦૧૪ ની ચુંટણીમાં ૬૩.૦૩ ટકા મતદાન થયેલ જયારે આ વખતે ૬૦.૭૩ ટકા મત પડતા ર.૩૪ ટકા મતદાનમાં ઘટાડો થયો છે. શહેરી કરતાં ગ્રામ્ય મતદારોએ મતદાન માટે સૌથી વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો.

ર.૩૪ ટકા મતદાન ઘટવાને લઇને ઉમેદવારોમાં ઉચાટ પ્રવર્તે છે કે કોનો વિજય થશે.

જૂનાગઢ લોકસભા બેઠકની સાથે માણાવદર વિધાનસભા સીટની પેટા ચુંટણી માટે પણ મતદાન થયું હતું. અહિં ૬ર.૮૭ ટકા મતદાન થયેલ. કુલ ર,૩૯,૯૬૦ મતદારોમાંથી ૮૪,૩૯૧ પુરૂષ અને ૬૬,૪૮૧ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૮ ઉમેદવારોના ભાવીનો ફેંસલો કર્યો હતો.માણાવદરવિધાનસભા ર૦૧૭ ની સામાન્ય ચુંટણીમાં ૬પ.ર૦ મતદાન થયું હતું. જયારે પેટા ચુંટણીમાં ગઇકાલે ૬ર.૮૭ ટકા મત પડતા અહિં ર.૩૩ ટકા મતદાન ઓછું રહ્યું છે.

આમ માણાવદર ધારાસભાની બેઠકની પેટા ચુંટણીમાં મતદાનમાં ઘટાડો નોંધાતા ઉમેદવારો રાજકીય મુંઝવણમાં મુકાય ગયા છે.

મતદાન એકંદરે શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થતાં જિલ્લા ચુંટણી અધિકારી ડો. સૌરભ પારધી અને આઇજી સુભાષ ત્રિવેદી તથા એસ.પી. સૌરભસિંઘે સૌનો આભાર વ્યકત કર્યો છે.

(11:43 am IST)