સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

લાઠીના પીપળવામાં લેઉવા પટેલ પ્રોૈઢ કેશવભાઇની ભેદી હત્યા

રાત્રીના સાડા અગિયારે ૫૦ વર્ષના પ્રોૈઢ ઘરના ડેલા પાસે સુતા'તા ત્યારે બુકાનીધારી શખસે આવી છરીના ઘા ઝીંકી દીધાઃ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ હત્યાનું રહસ્ય ઉકેલવા અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો

રાજકોટ તા. ૨૪: અમરેલીના લાઠી તાબેના પીપળયા ગામે મોડી રાત્રે લેઉવા પટેલ પ્રોૈઢની ભેદી હત્યા થતાં ગામમાં ચકચાર મચી ગઇ છે. પોતાના ઘરના ડેલા પાસે ઉંઘી રહેલા પ્રોૈઢ પર કોઇ બુકાનીધારી શખ્સ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. તેમણે બૂમાબૂમ કરતાં પરિવારના લોકો ભેગા થઇ ગયા હતાં અને ગંભીર હાલતમાં રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ સવારે તેમણે દમ તોડી દીધો હતો. ભેદભરમ સર્જતી આ હત્યાનું રહસ્ય ઉકેલવા અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ લાઠીના પીપળવા ગામે રહેતાં કેશવભાઇ માધાભાઇ પોકીયા (ઉ.૫૦) નામના લેઉવા પટેલ પ્રોૈઢ પર રાત્રીના સાડા અગિયારેક વાગ્યે અજાણ્યા બુકાનીધારી શખ્સે છરીથી હુમલો કરી પેટ-પડખા સહિતના ભાગે ઘા ઝીંકી દેતાં તેણે ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમતાં ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે હોસ્પિટલે પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

હત્યાનો ભોગ બનેલા કેશવભાઇના પરિવારજનોના કહેવા મુજબ કેશવભાઇ દરરોજ રાત્રે ઘરના ડેલા બહાર ખાટલો ઢાળીને સુતા હતાં. ગત રાતે અચાનક તેના પર છરીથી હુમલો થતાં તેણે દેકારો મચાવતાં ઘરના લોકો જાગી ગયા હતાં. બાજુમાં જ રહેતો ભત્રીજો મનિષભાઇ ધીરૂભાઇ પોંકીયા પણ દોડી આવ્યો હતો. તે વખતે હુમલાખોર ભાગી ગયો હતો. કેશવભાઇએ લોહીલુહાણ હાલતમાં પોતાને એક બુકાનીધારી શખ્સે છરીના ઘા ઝીંકયાનું રટણ કર્યુ હતું. એ સિવાય વધુ બોલી શકયા નહોતાં.

હત્યાનો ભેદ ઉકેલવા અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેશવભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બે પુત્ર સુરત રહે છે અને દિકરી અમરેલી સાસરે છે. પત્નિનું નામ રમિલાબેન છે. ઘરે પતિ-પત્નિ એકલા રહે છે. બુકાનીધારીએ હુમલો કરતાં કેશવભાઇ બૂમો પાડતાં પાડતાં જીવ બચાવી બહારથી ડેલા અંદર જતાં રહ્યા હતાં અને અંદરથી ડેલો બંધ કરી દીધો હતો. એ પછી ભત્રીજો મનિષભાઇ વંડી ઠેંકીને અંદર ગયો હતો. તેણે પુછતાછ કરતાં બુકાની બાંધેલા શખ્સે છરી ઝીંકયાનું કેશવભાઇ બોલ્યા હતાં. લાઠી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે મોત નિપજ્યું હતું. નાના એવા ગામમાં આ રહસ્યમય હત્યાની ચકચાર મચી ગઇ છે.

(11:33 am IST)