સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

સોમનાથ મંદિર પાસેના ક્ષેત્રોને વેજ ઝોન જાહેર કરવા માંગણી

ત્રણ કિલોમીટરના વિસ્તાર માટે માંગણી કરાઈઃ સોમનાથ સેવા સંઘ, હિન્દુ યુવા સંઘ દ્વારા વિશેષ ઝુંબેશ

સોમનાથ  , તા.૨૪ : વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને વેજિટેરિયન ઝોન જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. સોમનાથ વેજ ઝોન બનાવવાનું આયોજન હાલમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આને લઇને હિલચાલ શરૃ થઇ ચુકી છે. મંદિરના આસપાસના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારને વેજ ઝોન તરીકે જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. પાલીતાણામાં નોનવેજિટેરિયન ચીજવસ્તુઓના વેચાણના મુદ્દાનો મામલો હાઈકોર્ટમાં પહોંચી ચુક્યો છે ત્યારે કેટલીક જમણેરી પાંખ સંસ્થાઓ જે સોમનાથની આસપાસ વેજ ઝોન જાહેર કરવાની માંગ ઉઠાવી રહી છે. છેલ્લા એક સપ્તાહના ગાળામાં ઓછામાં ઓછા ૨૫ જેટલા મોટા પોસ્ટરો સોમનાથ શહેરમાં મુકવામાં આવ્યા છે જેમાં ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં નોનવેજિટેરિયન ફુડના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારને આવરી લેવા માટેની માંગ ઉઠતા આને લઇને દબાણ પણ આવી રહ્યું છે. ત્રણ કિલોમીટર સુધીના વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારને પણ આવરી લે છે જ્યાં ઘણી બધી હોટલોમાં નોનવેજની વ્યવસ્થા રહેલી છે. જુદા જુદા સમુદાય દ્વારા તથા કારોબારી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના પોસ્ટરો મુકવામાં આવ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખાબરમાં પણ આ પ્રકારના અહેવાલ પ્રકાશિત થઇ ચુક્યા છે. સોમનાત સેવા સંઘ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા આ પ્રકારની વિશેષ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. આ લોકોએ ગીર સોમનાથના કલેક્ટર અજય પ્રકાશને પોતાની માંગણીને લઇને રજૂઆત પણ કરી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લોકહિતમાં જાણ કરવામાં આવી છે. ગુજરાતના તમામ સંસદ સભ્યો, મુખ્યમંત્રી વિજય રૃપાણી, ધારાસભ્યો અને એન્ય સંબંધિતોને પણ જાણ કરવામાં આવી છે. સોમનાથ મંદિરની આસપાસ વેજ ઝોન જાહેર કરવાની માંગ અગાઉ પણ ઉઠી ચુકી છે પરંતુ આ વખતે હિલચાલ લાંબી ચાલે તેવી શક્યતા છે. પાલિતાણા, ડાકોર, અંબાજી બાદ હવે સોમનાથમાં પણ રજૂઆત થઇ રહી છે.

(10:11 pm IST)