સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

દ્વારકાના કુરંગામાં ૪ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

માતા શૌચક્રિયા માટે ગઇ ને નરાધમ બાળાને ઉઠાવી ગયો અને પીંખી નાખીઃ ૧૭ શખ્સોની પૂછપરછ પરંતુ કોઇ હાથ ન લાગ્યુ

 ખંભાળીયા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકા તાલુકામાં કામ અર્થે આવેલા એક શ્રમિક પરિવારની પોણા ચાર વર્ષની માસુમ બાળાના અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યાનો જધન્ય અપરાધ સામે આવ્યો છે. ઘર નજીક રમતી માસુમ બાળાને આ સ્થળેથી દૂર લઇ જઇને બળાત્કાર ગુજારવા સબબ પોલીસમાં ધોરણસર ફરીયાદ નોંધાઇ છે.

આ ધુણાસ્પદ બનાવની પ્રકાશમાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ગામ સ્થિત કાર્યરત એક ખાનગી કંપનીમાં કામ અર્થે એક પરપ્રાંતિય શ્રમિક પરિવાર આવ્યો હતો. આ સ્થળે તૈયાર કરવામાં આવેલી લેબર કોલોનીના રૂમમાં શ્રમિકોના પરિવારો રહે છે. તેની સાથે રહેતા એક પરિવારની પોણા ચાર વર્ષની માસુમ દિકરી લેબર કોલોની રૂમ પાસે ગઇકાલે સોમવારે રમતી હતી.

બાદમાં થોડો સમય માટે લાપતા બની ગયેલી આ બાળા રડતી હાલતમાં પરિવારજનોને મળી આવી હતી. આ અંગેની પરિવારજનોની પુછપરછ અને તપાસમાં રૂમ નજીક રમતી આ બાળાને કોઇ અજાણ્યો શખ્સ ગેરકાયદેસર રીતે વાલીપણામાંથી અપહરણ કરીને દૂર લઇ ગયો હતો. અને બાઉન્ડ્રી પાસે આ માસુમ બાળા સાથે બદકામ કર્યાનું અથવા કોશીષ કરી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે બાળાના માતાએ દ્વારકા પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ધોરણસર ફરીયાદ નોંધાવી છે. જે અન્વયે પોલીસે આઇ. પી. સી. કલમ ૩૬૩, ૩૭૩ તથા પોકસો એકટની કલમ ૪ તથા ૧ર મુજબ અપરાધ નોંધ્યો છે.

આ બનાવ બનતાં ઇજાગ્રસ્ત ભોગ બનનાર બાળાને તાકીદે વધુ સારવાર તથા દુષ્કર્મ અંગેની તપાસ અર્થે જામનગરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પ્રકરણ સામે આવતાં દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના તથા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી. તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

આ બનાવ સંદર્ભે દ્વારકાના પી. આઇ. પી.એ. દેકાવાડીયાએ આરોપી શખ્સને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર બનાવે ભારે અરેરાટી સાથે આરોપી સામે ફીટકારની લાગણી પ્રસરાવી છે.

આ ઘટના બાદ એક શખ્સને દોડતા માતા ભાળી ગઇ હતી. બાળકી રડતી હતી અને તે લોહીલુહાણ હતી. જેથી તેણે બુમાબુમ કરી હતી અને સિકયુરીટીને બોલાવી હતી. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેમ્પમાં તે  સમયે હાજર ૧૭ જેટલા પુરુષોની પુછપરછ હાથ ધરી હતી, પરંતુ કંઇ હાથ લાગ્યું નહોતું. બાળકીની તબિયત વધુ લથડતા તાકીદે સારવાર માટે જામનગર હોસ્પિટલમાં આવતા જ આ બનાવ બહાર આવ્યો હતો, જેના કારણે દ્વારકા તેમજ આજુબાજુના પંથકનાં લોકોમાં રોષ સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. બાળકીને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે જયાં તેની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

દ્વારકાના પોલીસવડા રોહન આનંદ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, બનાવ ખુબ ગંભીર છે અને બાળકીની માતાએ અજાણ્યા શખ્સને ભાગતા જોયો હતો. જે બાબતે અમે ત્યાં હાજર પુરુષ મજુરો તેમજ અન્યની તપાસ કરી રહ્યા છીએ અને બાળકીને સારવાર તેમજ એમએલસી માટે જામનગર મોકલવામાં આવી છે.

ફાંસીની સજા નો  કદાચ પહેલો ગુનો

દ્વારકામાં આજે ૮ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ની જે ઘટના નોંધાઇ છે, તે કદાચિત કેન્દ્ર સરકારે ફાંસીની સજા આપતા વટહુકમ આપતી બાદની ઘટના છે. જેમાં આરોપી સામે ફાંસીની સજાની જોગવાઇ છે. જે દ્વારકા પોલીસ માટે પણ નવો વિષય છે. (પ-પ)

(1:35 pm IST)