સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગોંડલ વિસ્તારમાં મિનરલ વોટરનો ધીકતો ધંધો

બે થી ચાર કંપનીઓમાં આઈએસઆઈની માન્યતાઃશહેરમાં ૫૦ ટકા કચરો પાણીના પાઉચનો જ નજરે ચઢે છેઃ કાયદાકીય ઝંઝાળમાંથી બચવા પેકિંગ કરનારાઓ તેના પર નોટ ફોર ડ્રિંકિંગ 'રિફ્રેશ વોટર' જ લખે છે

ગોંડલ, તા.૨૪ : શહેર-તાલુકામાં લગ્નસરાની સિઝન ધમધમી રહી છે અને ઉનાળો મધ્યને આવીને ઊભો રહ્યો છે ત્યારે પીવાના પાણીની પણ તાતી જરૂરિયાત પડતી હોય લોકોની તરસ છુપાવવા ના બહાના હેઠળ મિનરલ વોટર ની માન્યતા વગરના પાણીનો ધીકતો ધંધો કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતો હોવાની શહેર અને તાલુકામાં ફરિયાદ ઉઠવા પામી છે. ગોંડલ શહેર તાલુકામાં મિનરલ વોટરનો વ્યાપાર નહીં પણ વેપલો ફાટી નીકળ્યો છે, શહેરમાં ઠેરઠેર બ્રાન્ડ વિનાની મિનરલ વોટરની બોટલો મળી રહી છે. ગોંડલ શહેર અને તાલુકામાં માત્ર બે ચાર કંપની પાસે આઈએસઆઈની માન્યતા છે, જયારે ૩૮ થી પણ વધારે મિનરલ વોટર ભરતી કંપનીઓ પાસે આઈએસઆઈની માન્યતા નથી.

પાણીના પાઉચના વેપલા અંગે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે બિલાડીના ટોપની માફક ફાટી નીકળેલી મિનરલ વોટર ની ફેકટરીઓમાંથી કેટલીક ફેકટરીઓ દ્વારા માત્ર રૂપિયા ૧૫ માં ૫૦ નંગ લેખે પાણીના પાઉચની કોથળી નો વેપાર કરવામાં આવી રહ્યો છે પાણીના પાઉચની કોથળી ઉપર અંગ્રેજીમાં જ જીણા અક્ષરે નોટ ફોર ડ્રિંકિંગ લખી નાખવામાં આવતું હોય છે સાથોસાથ રિફ્રેશ વોટર તેવું પણ ઉમેરી દેવામાં આવે છે જેનો મતલબ એ થાય છે કે આ પાઉચનું પાણી પીવાલાયક નથી તેમ છતાં પણ પાનના ગલ્લે અને લારીઓમાં ખુલ્લેઆમ રૂ. ૨ મુજબ પાણી ના પાઉચ વહેંચાઈ રહ્યા છે.

મિનરલ વોટર કરનાર કારખાનેદારે પાણી ના પાઉચ માટે ૬૫ માઇક્રોન પ્લાસ્ટિકની વાપરવું ફરજિયાત હોય છે પરંતુ ગોંડલ શહેર તાલુકા માં વેચાતા પાણીના પાઉચ ૫૦ માઇક્રોન થી પણ ઓછા હોય છે જે લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.

આઈ.એસ.આઈની માન્યતા લેવામાટે મિનરલ વોટરના કારખાનામાં છ ફૂટની ગ્લેઝ ટાઇલ્સ લગાવવાની ફરજિયાત હોય છે તેમજ તેની અંદર કામ કરતા વર્કરોની મેડિકલ ટેસ્ટ અને લેબોરેટરી ટેસ્ટ સાથે રાખવું ફરજિયાત હોય છે પરંતુ ગોંડલમાં માત્ર બે જ કંપની પાસે આઈએસઆઈની માન્યતા હોય બીજી બધી કંપનીઓ  ધીકતો ધંધો કરી રહી છે.

ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર કે.પટેલ અને ફુડ ઇન્સ્પેકટર હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે મિનરલ વોટર ફેકટરીઓમાં પાલિકા તંત્ર માત્ર સ્વચ્છતા અંગે ચેકિંગ કરી શકે છે પાણીના સેમ્પલ લેવાની સત્તામાત્ર જિલ્લા ફૂડ વિભાગ અને આઇએસઆઇ તેમજ પેકિંગ વિભાગને છે.(૨૩.૬)

(11:47 am IST)