સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ભાવનગરમાં દરોડાઃ બાયોડીઝલમાં ભેળસેળ પકડાઇઃ બે વેપારી પાસેથી ૭ લાખનો જથ્થો સીઝ

ભાવનગર તા.૨૪: ભાવનગરમાંથી પુરવઠાતંત્રે બાયોડીઝલનાં વેપારીઓને ત્યા દરોડો પાડી રૂ. ૭ લાખનો જથ્થો સીઝ કર્યો છે.

મળતી વિગતો મુજબ જીલ્લામાં બાયોડીઝલનો વેપાર કરતા કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ઇન્ચાર્જ કલેકટર એ.એમ. ગાંધીને મળેલી ફરીયાદો ને આધારે પ્રાંત અધિકારી મીયાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર અને સીટી મામલતદાર તંત્ર દ્વારા કરદેજમાં આવેલી સંતકૃપા ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા પાડી ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ચેકીંગ દરમ્યાન બાયોડીઝલમાં ભેળસેળ થતું હોવાનું ખુલતાં તંત્રએ ૬૦૦૦ લીટર કિંમત રૂપિયા ૨૪૦૦૦૦ નો જથ્થો સીઝ કરીને સંતકૃપા ટ્રેડર્સના સંચાલક ભગીરથસિંહ જયદેવસિંહ ગોહિલ વિરુધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત પુરવઠાતંત્રએ મનપસંદ હોટલ નજીકનાં દ્વારકાધીશ ટ્રેડર્સ માં પણ ચેકીંગ કરતા બાયોડીઝલમાં ભેળસેળ કરાતું હોવાનું જણાતા બાયોડીઝલનો ૮૦૦૦ લીટર કિંમત રૂ.૪૨૪૦૦૦ નો જથ્થો સીઝ કરી દ્વારકાધીશ ટ્રેડર્સના સંચાલક મુકેશ રામભાઇ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પુરવઠા તંત્રએ નારી ચોકડી નજીક થી આનંદ બાયોડીઝલ સહિતના ટ્રેડર્સમાં પણ ચેકીંગ હાથ ધરી નમુનાઓ લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.

(11:35 am IST)