સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગીર-સોમનાથ જિલ્લામાં સુજલામ - સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની રચના

જિલ્લામાં ૨૪૦૦થી વધુ જળ સંચયના કામો થશેઃ પ્રભારી સચિવ સંજય નંદન

ગીર-સોમનાથ તા. ૨૪ : ગીર-સોમનાથ જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે પ્રભારી સચિવશ્રી સંજય નંદનનાં અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેનાં અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ રહેશે.

રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. સબંધિત વિભાગો દ્વારા જળ સંચયનાં વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. જે પૈકી તળાવો ઉંડા ઉતારવા અંગે ખુબ મોટા પાયે કામગીરી હાથ ધરવા જળ સંચયનો વ્યાપ વધે તેવા કામો ચોમાસા પહેલા લોક ભાગીદારીથી હાથ ધરવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

ગીર-સોમનાથ જિલ્લામાં પણ સુજલામ સુફલામ જળ અભિયાન સમિતિ દ્વારા જળાશય ડિસીલ્ટીંગનાં ૨ કામો, ચેકડેમ તળાવ, તલાવડી રીપેરીંગ, ડીસીલ્ટીંગનાં ૫૩૦ કામો, નદી વોકળા સફાઇ કામગીરીનાં ૨૦૧ કામો, લેન્ડ ડેવલોપમેન્ટ/ પ્લાનટેશનનાં ૨૨૮ કામો, નર્સરી ઉછેર ફાર્મ, ફોરેસ્ટ્રીનાં ૧૭૨ કામો સહિતનાં કુલ ૨૪૨૦ કામો સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા આયોજન કરવામાં આવેલ છે.

આ બેઠકમાં કલેકટરશ્રી અજયપ્રકાશ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી એસ.કે.મોદી, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, પ્રાંત અધિકારીશ્રી રાઠોડ, નાયબ વન સંરક્ષકશ્રી ડી.બી.વાઘેલા, પાણી-પૂરવઠા બોર્ડનાં કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એમ.શાહુ, સિંચાઇ વિભાગનાં શ્રી પી.જી.વ્યાસ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૩)

(9:44 am IST)