સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

અનાધિદેવ કૃષ્ણ ભગવાન આજે મને ધામમાં લેવા આવશેઃ હરિબાપાનો દાવો

જામનગર જિલ્લાના જામવંથલીના હરીશરણાગતી સેવા મંડળ (ફુલવાડી) મંદિરે પ્રસાદી ભવને મહોત્સવના સમાપન પ્રસંગે 'હરિભકત'એ જણાવ્યું કે 'ભગવાને' મને દર્શન આપ્યા'તા

જામવંથલી ફુલવાડી મંદિરે આગમવાણી બાદ ભાવિકો ઉમટયાઃ પૂજારીએ પણ કહ્યુ મને પણ ભગવાને દર્શન દીધા'તા... : ફલ્લા-ખંભાળીયાઃ જામનગર જિલ્લાના જામવંથલી ખાતે ફુલવાડી મંદિરના સેવક હરીભાઈ વેલજીભાઈ ખોલીયાએ પોતાને સાંજે ૫ વાગ્યે ભગવાન લેવા આવશે તેવી આગમવાણી કર્યા બાદ આજે મોટી સંખ્યામાં મંદિરે ભાવિકોની ભીડ જામી છે અને ધૂન-ભજન ચાલી રહ્યા છે. આ દરમિયાન મંદિરના પૂજારી ઘનશ્યામભાઈ માલવીયાએ જણાવ્યુ હતુ કે, મને પણ ભગવાને દર્શન આપ્યા હતા અને ભગવાન લેવા આવશે તેમ જણાવ્યુ હતું. જેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. (તસ્વીર-અહેવાલઃ મુકેશ વરીયા (ફલ્લા), કૌશલ સવજાણી (ખંભાળીયા)

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા, તા., ર૪: જામનગર જીલ્લાના જામ-વંથલી ગામના હરીભકત હરીબાપાએ આજે અનાધીદેવ કૃષ્ણ ભગવાન મને ધામમાં લેવા આવશે તેવો દાવો કરતા મોટી સંખ્યામાં ભાવીકો જામ-વંથલી ગામે આવેલ  ફુલવાડી મંદિરે ઉમટી રહયા છે.

જામ-વંથલીનાં હરીશરણાગતી સેવા મંડળ (ફુલવાડી) સંચાલીત અનાધીદેવ કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. જેના  હરિ ભગત હરિબાપાએ દાવો કર્યો છે કે, 'આજે એટલે કે ૨૪મી એપ્રિલનાં રોજ સાંજે ૫ કલાકે ભગવાન શ્રી અનાધીદેવ કૃષ્ણ  તેમને લેવા  માટે આવશે. તેમના દાવા મુજબ ભગવાન શ્રી અનાધિદેવ કૃષ્ણ  તેમને મળવા આવતા હોય છે એટલે કે તેમને દર્શન આપવા આવતા હોય છે.'

 થોડાંક સમય પહેલાં પણ ભગવાને તેઓને દિવ્યરૂપે દર્શન આપ્યાં હતાં અને પરમધામ એટલે કે અક્ષરધામનાં દર્શન કરાવ્યાં હતાં. હરિબાપાએ આ દાવો ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવનાં સમાપન વખતે કર્યો હતો.

દરમિયાન જાણવા મળ્યા મુજબ પોતાને ભગવાન લેવા આવશે તેવી આગાહી કરનાર હરીબાપા નિવૃત આર્મીમેન છે અને વર્ષોથી હરીશરણાગતી સેવા મંડળ (ફુલવાડી) અનાધિદેવ કૃષ્ણ મંદિરે સેવા આપી રહયા છે અને વિવિધ ધાર્મીક કાર્યક્રમોમાં ભાવથી જોડાય છે.

નિવૃત આર્મીમેન હરીભાઇ વેલજીભાઇ ખોલીયા ૭૮ થી ૮૦ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમનો પરીવાર રાજકોટ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. કથા ચાલુ હતી તે દરમિયાન  તેમને ભગવાન લેવા આવશે તેવી આગાહી કરી હતી. ત્યાર બાદ આજે સાંજે પ વાગ્યે ભગવાન તેડવા આવશે તે વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં ભાવીકોની ભીડ જામનગર જીલ્લાના ફલ્લા નજીકના જામ-વંથલી ગામે ઉમટી પડી છે.

હરીબાપાએ દાવો કરતા તબીબો અને પોલીસની ટીમ ફુલવાડી મંદિરે રાખવામાં આવી છે. જો કે લાગણીમાં આવીને કે અન્ય કોઇ રીતે હરીબાપાએ આગાહી કરી હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.

 આવા અનેક દાખલાઓ ભગવાને આપ્યાં છે અને હરિભગતને ધામમાં પણ લઇ ગયાં છે. ત્યારે આ વખતે રાજકોટનાં જામ વંથલીનો એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.જેમાં હરિભગતે એવો દાવો કર્યો છે કે ભગવાન શ્રી અનાધિદેવ કૃષ્ણ સ્વયં પોતે આવીને તેઓને કહી ગયાં છે કે તેઓ આજરોજ તેમને ધામમાં લઇ જશે.

જેને લઇને આસપાસનાં સૌ કોઇ લોકો તેમજ આ સંપ્રદાયનાં પણ હરિભગતોમાં પણ આ બાબતે એક જબરદસ્ત આશ્ચર્ય સાથે ભારે ચર્ચા થઇ રહી છે. કચ્છમાં થોડા સમય પૂર્વે આવી જ એક ઘટનામાં એક મહંતશ્રીએ વાસ્તવમાં જીવનલીલા સંકેલી લીધી હતી તેની સહુ યાદ અપાવી રહ્યા છે.

(4:24 pm IST)