સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th March 2018

આ ગુજરાત? હવે સુરત રેલ્વે સ્ટેશનેથી કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં દારૂની ખેપઃ ત્રણ મહિલા બુટલેગરોની દાદાગીરીથી ધમાલ

રિઝર્વેશન ખર્ચીને પ્રવાસ કરનારા પ્રવાસીઓની સલામતી માટે રેલ્વે પોલીસ કે સ્ટેશન માસ્તરની આનાકાની-એક મહિલા પ્રવાસીનું મંગળ સૂત્ર ચોરાયું: ચર્ચગેટ (મુંબઇ) કચેરીએ ફરિયાદ કરાઇ પછી દાદ મળી

ભુજ તા.૨૪: ગુજરાતના રોડ રસ્તાઓ માર્ગે દારૂની હેરાફેરી ઉપરાંત શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોની દાદાગીરીના બનાવો તો બને છે પણ હવે તો ગુજરાતની ટ્રેનોમાં પણ દારૂની હેરાફેરી અને દાદાગીરીના બની રહેલો બનાવ સરકાર, રેલ્વે પોલીસ અને રેલ્વે તંત્ર માટે શરમજનક છે.

શું આ છે ગુજરાત? આવો પ્રશ્ન થવાનું કારણ છે મુંબઇથી ભુજ આવી રહેલી કચ્છ એકસપ્રેસ ટ્રેનમાં બનેલો મહિલા બુટલેગરોની દાદાગીરીનો બનાવ!!! મુંબઇ બોદરાથી સાંજે ૬ વાગ્યે નીકળેલી કચ્છ એકસપ્રેસ ટ્રેન રાત્રે ૧૦ના અરસામાં સુરત પહોંચી ત્યારે તેમાં ૫-૧૦ રિઝર્વેશન કોચમાં દારૂની બાટલીઓ સાથે મહિલા બુટલેગરો ચડી ગઇ હતી.

ત્રણ મહિલા બુટલેગરો પૈકી એક નશામાં હતી રાત્રે રિઝર્વેશન કોચમાં સુવાના ટાઇમે ચડી ગયેલી આ મહિલા બુટલેગરોને પ્રવાસીઓએ ઉત્તરીજવાનું કહેતા બબાલ થઇ હતી મહિલા બુટલેગરો હાથા પાઇ કરીને વ્રશિકાબેન ગડા નામની પ્રવાસી મહિલાનું મંડળ સુત્ર ચોરી લીધુ હતુ.

આ દરમિયાન ટ્રેનને પ્રવાસીઓએ રોકી સુરત રેલ્વે પોલીસ તેમજ સ્ટેશન માસ્તરને મહિલા બુટલેગરો વિરૂધ્ધ ફરિયાદ નોંધવાનુ કહેતા તેમણે આનીકાની કરી હતી. દરમ્યાન પ્રવાસીઓએ તરત જ કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહને ફોન કરી જાણ કરતા તેમણે ચર્ચગેટ મુંબઇના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતુ.

તેને પગલે હરકતમાં આવેલ પોલીસે  અંતે કાર્યવાહી કરી હતી. કચ્છ એકસપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ હોવા છતા'યે તેમાં અન્ય પ્રવાસીઓ ચડી જાય છે, છેડતી અને ચોરીના બનાવો બને છે રાજય સરકારે પણ રેલ્વે સ્ટેશનોએ કડક કાર્યવાહી કરવાની સુચના આપીને દારૂની હેરાફેરી અટકાવવાની જરૂરત છે.

(11:50 am IST)