સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

તારી સાસુ કરતાં પણ તને સારી રીતે રાખીશ કહી સસરાએ પુત્રવધુને પકડી જાતીય સતામણી કરી'તી

કચ્છનાં અંજારમાં પુત્રવધુ સાથે અડપલા કરનાર સસરાને બે વર્ષની જેલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૪:  જાતીય સતામણી કરનારની સામે હિંમતપૂર્વક ફરિયાદ કરવાથી આરોપીને તેના ગંદા કૃત્યની સજા મળે છે. કચ્છમાં અંજાર મધ્યે પોતાની યુવાન પુત્રવધુ સાથે જાતીય સતામણી કરનાર સસરાને કોર્ટે જેલ હવાલે કરી દાખલારૂપ સજા ફટકારી છે.

ગત તા/૫/૯/૧૭ ના અંજારના જમનશા રહીમશા શેખે પોતાની યુવાન પુત્રવધૂને પૌત્રને લઇ આવવાનું કહ્યું હતું. પુત્રવધૂ જયારે નજદીક આવી ત્યારે સસરા જમનશાએ તેણીનો હાથ પકડીને જાતીય અડપલા કર્યા હતા. તું મારી સાથે રહીશ તો તને તારી સાસુ કરતાં પણ સારી રીતે રાખીશ એવી વાત કરી સસરાએ પુત્રવધૂને પકડી લીધી હતી. જોકે, પુત્રવધૂએ હિંમત સાથે સસરાને ધકેલી પોતાની જાત બચાવી હતી.

આ અંગે પોતાના પતિને વાત કરી હતી પણ પતિ ન માનતા અંતે એ પરિણીતાએ પોતાની આબરૂ બચાવવા જમિયત સંસ્થામાં આશરો લીધો હતો. આ અંગે પરિણીતાએ હિંમતપૂર્વક પોલીસ ફરિયાદ કરી હતી.

જે કેસ અંજાર કોર્ટમાં ચાલી જતાં કસૂરવાર સસરાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે પીપી હિતેશ ચૌધરીએ દલીલો કરી હતી.

(10:17 am IST)