મેંદરડામાં દાગીના સાફ કરવાના બહાને યુવતિના ગળામાંથી ચેન ચોરીને બે શખ્સો ફરાર
જુનાગઢ તા.૨૪: મેંદરડામાં દાગીના સાફ કરવાના બહાને યુવતિના ગળામાંથી સોનાનો ચેન ગપચાવીને બે શખ્સો ફરાર થઇ જતાં હલચલ મચી ગઇ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મેદરડામાં મેઇન બજાર નજીકની હનુમાન શેરીમાં રહેતા કનુભાઇ લખુભાઇ બસીયાની પુત્રી કોમલ (ઉ.વ.૨૦) ગઇકાલે સવારે તેના ઘરે હતી.
ત્યારે ૨૫ થી ૨૬ વર્ષનો અને ૩૫ વર્ષનો શખ્સ ઘરે આવેલ અને તેમણે દાગીના સાફ કરતા હોવાનું જણાવી યુવતિને ભોળવી હતી.
કોમલે વિશ્વાસમાં આવી જઇને ગળામાંથી રૂ.૩૩ હજારની કિમતનો પેન્ડલ સાથેનો સોનાનો ચેન ઉતારીને સાફ કરવા આપેલ.
પરંતુ બંને શખ્સો રૂ.૩૩ હજારનાં દાગીના લઇને નાસી ગયા હતા.
આ અંગે કોમલ બસીયાએ ફરિયાદ કરતાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પોલીસ જમાદાર કે.બી.ચુડાસમા ચલાવી રહ્યા છે.