સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th January 2020

ગાંધીધામ વિધવા સહાયના સરકારી લાભના નામે વૃધ્ધ મહિલાની ૭૦ હજારની સોનાની બંગડી ઉતારી મહિલા પલાયન

 ભુજ તા. ૨૪ : ગાંધીધામમાં જનતા કોલોનીમાં ઓધવ ભવનમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ઘા સાથે કરાયેલી ઠગાઈના બનાવે ચર્ચા સર્જી છે. શાંતાબેન દેવજી ભદ્રા નામના આ વિધવા ભાનુશાલી મહિલા એકલા રહે છે અને કચરા પોતા કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને મળેલી કોકિલા નામની અજાણી મહિલાએ સરકાર દ્વારા ૨૦ હજાર રૂપિયા અને રાશન આપવાની વાત કરી હતી.

આ અજાણી ઠગ મહિલાની વાતમાં ભોળવાયેલા વૃદ્ઘાને તે મહિલા ફોટા પડાવવા લઈ ગઈ હતી. ત્યારબાદ આદિપુરમાં એક બંધ મકાન બતાવી સરકારી ઓફિસ બંધ હોવાનું જણાવી અરજી કાલે કરીશું એવું કહીને વૃદ્ઘાને ચા પીવા માટે જણાવ્યું હતું. વિશ્વાસ સંપાદન થતાં શાંતાબેને એ અજાણી મહિલા સાથે ચા પીધી હતી. પણ, ત્યારબાદ તેમણે ભાન ગુમાવ્યું હતું. તેઓ થોડીવાર રહી ભાનમાં આવતા પોતાના હાથની બંગડીઓ ન જોતાં રડવા લાગ્યા હતા. તેમને લોકોએ સાંત્વન આપી પોલીસની મદદ માંગી હતી. અંતે તેમણે આદિપુર પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ઘ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)