સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th January 2020

વલ્લભીપુરના મોણપુર ગામમાં પતિ-પત્નીની હત્યા કરવાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ

ભાવનગર તા. ૨૪: વલભીપુર તાલુકાના મોણપુર ગામની  સીમમાં એક વર્ષ પહેલા પતિ-પત્નીની હત્યા કરવાના ગુન્હામાં આરોપીને અદાલતે આજીવન  કેદની સજા અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે.

વલભીપુર તાલુકાના  મોણપુર ગામમાં રહેતા અને વાડી-ખેતરમાં રખોયાનુ કામ કરતા જોરૂભાઇ કાંતિભાઇ તથા તેના પત્ની વર્ષાબેન  અને આરોપી અજીત ઉર્ફે ભોયલો ત્રિકમભાઇ સાથળીયા ગત તા.૨૧/૧૧/૧૮ના રોજ રાત્રીના મોણપુર ગામની  સીમમાં આવેલ કરશનભાઇ ખીમાભાઇમાંગુકિયાની ખેતરમાં રખોયુ કરવા માટે ગયા હતા. મોડી રાત્રીના આરોપી અજીતે વર્ષાબેન સાથે શરીર સંબંધ બાંધવા જતા જોરૂભાઇ જાગી જતા બંન્ને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા અજીતે લોખંડની કોશ વડે જોરૂભાઇના માથાના ભાગે હુમલો કરતા જોરૂભાઇ પડી ગયા હતા દરમ્યાન વર્ષાબેને દેકારો કરતા આરોપીએ વર્ષાબેન ઉપર ોશ તથા લાકડી વડે હુમલો કરતા બંન્નેના મોત નિપજ્યા હતા.

આ બનાવ અંગે વલભીપુર પોલીસે આરોપી વિરુધ્ધ આઇ.પી.સી. ૩૦૨,જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોં નોંધી ધરપકડ કરી હતી.

આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.બી.રાણાની દલીલો, ૨૧ સાક્ષી , દરસ્તાવેજી આધારોને ધ્યાને રાખી આરોપી અજીતને કસુરવાર ગણી આજીવન કેદની સજા અને રૂા પ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફરમાવી છે.

(11:58 am IST)