સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

કોરોના કહેર : દાઠા ગામે એકનો ભોગ લીધો : સુલતાનપુરમાં લોકડાઉન

રાજકોટ તા. ૨૩ : કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે અને ખાસ કરીને સોશ્યલ ડીસ્ટન્સનો સર્વત્ર અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે. ભાવનગરમાં આજે એકનું મોત થયું છે તો નાના એવા સુલતાનપુર ગામે લોકડાઉન કરવાની ફરજ પડી છે.

ભાવનગરમાં ૨૩ પોઝિટિવ કેસ

ભાવનગરમાં કોરો નથી વધુ એક દર્દીનું મોત નીપજયું છે અને વધુ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૫૬ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. તાલુકાઓમાં મહુવા ખાતે ૨ તથા મહુવા તાલુકાના નૈપ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૦૫૬ કેસ પૈકી હાલ ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૯૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

સુલતાનપુરમાં  કોરોનાના કેસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : તાલુકાના સુલતાનપુરમા કોરોના એ હાહાકાર મચાવ્યો છે અત્યાર સુધી મા ૧૯ કેસ નોંધાયા છે તેમજ ૩ વ્યકિતના મોત થયાં છે ત્યારે આરોગ્ય વિભાગમા દોડધામ મચી જવા પામી છે ગઈકાલે ફરી ૫ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે કોરોનાનો કહેર નાના ગામડા સુધી પહોંચી ગયો છે.

સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વેપારીઓ, આગેવાનો, ગામ લોકોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સૌનું મંતવ્ય જાણીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમજ બપોર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ જે લોકો કોરોના પોજીટીવ છે તે લોકો ઘરની બહારનો નીકળે જો નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગામલોકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે, ફરજીયાત માસ્ક પહેરે, તેમજ પ્રસંગોમા પણ સામાજિક અંતર જાળવે તેવી સૂચના આપવામાં આવી હતી સુલતાનપુર ગામમા બહાર ગામથી આવતા ફેરિયાઓને ગામ આવવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, જે લોકોને ત્યાં લગ્ન પ્રસંગ હોઈ સગાઇ હોઈ તે લોકોને ગ્રામ પંચાયત સુલતાનપુર ખાતે નોંધણી કરવાની ફરજીયાત રહેશે.

(11:06 am IST)