સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

પૂ. મોરારીબાપુ જૂનાગઢમાં : કાલે સમસ્ત કાઠી સમાજના કન્યા છાત્રાલયનો રજત જયંતિ મહોત્સવ

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા જુનાગઢ યુનિવર્સિટીના કુલપતિ જે.પી. મૈયાણી વગેરે ઉપસ્થિત રહેશે

જુનાગઢમાં પૂ. મોરારીબાપુ આગમન : વિશ્વ વંદનીય સંત પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુનું ગઇકાલે સાંજે ૭ કલાકે જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત લાલઢોરી કુટીર ખાતે આગમન થઇ ચૂકયું છે. ઉપરોકત તસ્વીરમાં લાલઢોરી ખાતે પૂ. મોરારીબાપુના દર્શન કરી સંવાદ કરતા ક્ષત્રિય સમાજના આગેવાન પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડરશ્રી વનરાજસિંહ રાયજાદા, પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી વગેરે નજરે પડે છે. પૂ. બાપુની સાથે જેન્તીભાઇ ચાંદ્રા, માયાભાઇ આહીર સહિતના સેવામાં જોડાયા હતા. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા. ર૩ : શ્રી સમસ્ત કાઢી સમાજ એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત સ્વ.હંસાબેન મેરામભાઇ વાળા કાઠી કન્યા છાત્રાલય તથા સ્વ. ઠારણબાપુ લુણવીર બાપુ વાળા કન્યા વિદ્યાલય જુનાગઢ સંસ્થાને રપ વર્ષ પૂર્ણ થતાં આગામી તા. ર૪ ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે અક્ષરવાડી (પ્રમુખ સ્વામી સભાગૃહ) વંથલી રોડ બિલનાથ મંદિર પાસે જુનાગઢ ખાતે રજત જયંતિ મહોત્સવ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં ઉજવાનાર છે.

આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને વિશામણ બાપુની જગ્યા પાળીયાદના મહંતશ્રી પૂ. નિર્મળાબા બિરાજશે.  કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને ઉપસ્થિત સંતો-મહંતોના હસ્તે કરી પ્રારંભ કરાવશે. તેમજ અતિથિવિશેષ તરીકે ચલાળાના પૂ. વલકુબાપુ ચાપરડાના પૂ. મુકતાનંદબાપુ, પૂ. શેરનાથબાપુ, સોનગઢના પૂ. કિશોરબાપુ, નવા સુરજદેવળના મહંત પૂ. શાંતિદાસ બાપુ સહિતના સંતો તેમજ મુખ્ય મહેમાન તરીકે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, માજી સાંસદ મો.લા પટેલ, નરહરીભાઇ અમીન (પૂર્વ નાયબ મુ.મંત્રી), ભરતભાઇ બારોટ (પૂર્વ મંત્રી ગુ.રા.), ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ જે.પી. મૈયાણી, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જે.વી. કાકડીયા સહિતના ઉપસ્થિત રહેશે. આ તકે સરસ્વતી વંદના સંસ્થાના સોવેનીયરનું વિમોચન નવનિર્મિત કોલેજ સંકુલનું ઉદ્ઘાટન થવા દાતાશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા રામભાઇ વાળાના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે.

(3:43 pm IST)