સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી ''અખંડ ભારતની અગવી ઓળખ બનશેઃ સાંસદ ડો.શિયાળ

બોટાદ જિલ્લાના ગામોમાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન

બોટાદ, તા.૨૩: બોટાદ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા યાત્રાના ત્રીજા દિવસે વિવિધ ગામોમાં એકતા યાત્રા ફરી હતી. જેનું વિવિધ ગામના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત – સન્માન કરી દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આરતી ઉતારી સરદાર પ્રત્યેની તેમની સન્માનની ભાવના પ્રગટ કરી હતી. એકતા યાત્રાના આ ત્રીજા દિવસના રૂટમાં યાત્રા સાથે સાંસદશ્રી ડો. ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા.

આ પ્રસંગે વિવિધ ગામો ખાતે યોજાયેલ સભામાં ઉદ્દબોધન કરતાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતુ કે, ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર વિશ્વમાં યથોચિત આદરાંજલિ આપવા માટે રાજય સરકારે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિર્માણ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ અખંડ ભારતની આગવી ઓળખ બની રહેશે.

તેમણે જણાવ્યું હતુ કે, વિશ્વમાં એકતા – અખંડિતતાનો સંદેશ આપવાની સાથે એક ભારત – શ્રેષ્ઠ ભારતના મંત્રની પ્રતીતિ કરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભારતની દ્રઢતા, ક્ષમતા અને એકતાનો વિશ્વને પરિચય થશે તથા સરદાર સાહેબની આ પ્રતિમા દેશની ભાવી પેઢી માટે પ્રેરણાા રુપ બની રહેશે. 

સાંસદશ્રીએ આ તકે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણ માટે આપેલ યોગદાનને બિરદાવતા ઉમેર્યું હતુ કે, સરદાર પટેલે તેમના મજબૂત વિચારોથી આઝાદીના સમયમાં રજવાડાઓને ભારતવર્ષ સાથે જોડવાનું કાર્ય સુપેરે કર્યું હતુ.

જિલ્લાના વિવિધ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકતાના શપથ લીધા હતા. કાનીયાદ ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રા ત્રીજા દિવસ દરમિયાન તરદ્યરા, પાળીયાદ, પીપળીયા, બોડી, સાંકરડી, રતનપર, નાની વીરવા, મોટી વીરવા અને ગઢડીયા ગામોમાં ફરી હતી. 

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી.

આ પ્રસંગે રૂટ – રથ ઈન્ચાર્જ અને જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદી, નાયબ બાગાયત નિયામક ડી. એમ. પટેલ, તળાજા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી ડો. ધીરૂભાઇ શિયાળ, અગ્રણીઓ સર્વશ્રી પોપટભાઈ અવૈયા, છનાભાઈ કેરાલીયા, સહિતના આગેવાનો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, ગામના ઈન્ચાર્જ – મદદનીશ સુપરવાઈઝરશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

ઢસાના બુધ્ધનગરની જમીનમાં શરતભંગના પગલા લેવાશ

 બોટાદઃ ગઢડા તાલુકા વિકાસ અધિકારીની  યાદીમાં જણાવ્યા પ્રમાણે ઢસા ગામે રેવન્યુ સર્વે નં. ૨૬૪ માની બુધ્ધગરની ધાર તરીકે ઓળખાતી ગામતળ જમીનમાં અગાઉ મફત પ્લોટ સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવ્યા હતા. જેનો તે સમયે અરજદાર તરફથી કબ્જો સંભાળવામાં આવેલ નથી. જે હાલ કોઈ મંજુર થયેલ પ્લોટ ધારકોએ કબ્જો ધારણ કરતા નથી. જેથી શરતભંગ ગણી મંજુર થયેલ તમામ મફત પ્લોટ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 આ અંગે જે કોઈ ઈસમોને / પ્લોટ ધારકોને વાંધો લેવાનો હોય તો દિવસ – ૩૦ સુધીમાં તાલુકા પંચાયત કચેરી – ગઢડા, ગ્રામ પંચાયત કચેરી – ઢસા ગામ તથા ગ્રામ પંચાયત કચેરી – ઢસા (જં) ખાતે લેખીત વાંધો રજુ કરવાનો રહેશે અન્યથા મંજુર થયેલ તમામ પ્લોટો રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(1:00 pm IST)