સોમનાથ મહાદેવ મંદિરના ‘સુરક્ષા ચક્ર'ની જવાબદારી ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ ચાવડાના શીરે
બઢતીથી નિમણુંક પામેલ અધિકારીઓ અભિષેક કર્યો

પ્રભાસ પાટણ તા. ર૩ : વિશ્વ પ્રસિધ્ધ અને રાજયનું એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિર (સુરક્ષા ચક્રનાં) નાયબ પોલીસ અધિક્ષક તરીકે પી. આઇ. માંથી બઢતી પામી ડી. વાય. એસ. પી. બનેલા ધર્મેન્દ્રસિંહ જે. ચાવડાએ ચાર્જ સંભાળેલ છે.
માણસા તાલુકાના વરસોડા ગામે તા. ૧૦-૧૦-૧૯૭પ નાં રોજ જન્મેલા આ અધિકારી તા. ૧-પ-ર૦૦૧ થી ગુજરાત પોલીસમાં જોડાયા અને ર૦૦૧ થી ર૦૦૭ પંચમહાલ તથા ર૦૦૭ થી ર૦૧૦ ઇડર પોલીસ અને એપ્રીલ ર૦૧૦ માં પી. આઇ. તરીકે પ્રમોશન મેળવી અમદાવાદ રૂરલ એલ. સી. બી. માં અઢી વરસ કામ કર્યુ.
ર૦૧ર માં એ. સી. બી. અમદાવાદ અને ર૦૧૪ પંચ મહાલ પી. આઇ. તરીકે હાલોલ અને ર૦૧૪ થી ૧૭ એલ. સી. બી. પી. આઇ. તરીકે કામ કરેલ છે.
તેમની યશસ્વી કારર્કીદીમાં અનેક અટપટા અને ભેદી ગુન્હાઓ ઉકેલેલ છે તેમણે સોમનાથ મંદિરે ચાર્જ લેતા પહેલા તેમણે સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન અને વંદન તથા ગંગાજળ અભિષેક કર્યો હતો. અને સોમનાથ દાદાને સન્માન દર્શક સલામી આપી કર્તવ્યનિષ્ઠાની સંકલ્પ શકિત ઇચ્છા વ્યકત કરેલ હતી.
સોમનાથ મહાદેવના મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટેમ્પલ અધિકારી સુરૂભા જાડેજાએ તેમનું સ્વાગત અને સન્માન કરી શાલ ઓઢાડી મંદિરની પ્રસાદી આપી હતી. અને જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા રેન્જ આઇ. જી. સુભાષ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ કાર્ય સંભાળશે.