સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

મોરબી જિલ્લાના અનેક લાભાર્થીઓને અપાશે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ

જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળા અન્વયે પૂર્વ આયોજન અંગેની બેઠક યોજાઈ

મોરબી:જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૨-૨૩ અન્વયે પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

રાજ્યભરમાં આગામી ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે જિલ્લામાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓને વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ અપાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકનું સંચાલન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે દરેક વિભાગ દ્વારા પોતાના વિભાગ હેઠળની વિવિધ યોજનાઓમાં વધુને વધુ લાભાર્થીઓને સાંકળી લઇ ગરીબ કલ્યાણ મેળા અન્વયે અત્યારથી જ આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:59 pm IST)