સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

બાળક, પાંચ વાહનો અને થાંભલાને ઉલાળી દેનારો નશાખોર કાર ચાલક ડિસમીસ પોલીસમેન નીકળ્‍યો

બિલખાના યુવરાજ ગોવાળીયા વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યોઃ પાંચ વાહનોમાં ૨ાા લાખનું અને થાંભલામાં ૧ાા લાખનું નુકસાનઃ ૭ વર્ષના નવાબનો પગ ભાંગી ગયોઃ કાર ચાલક ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

તસ્‍વીરમાં બેકાબૂ બન્‍યા બાદ અથડાયેલી કાર, એકઠા થયેલા લોકો અને જેનો પગ ભાંગી ગયો તે બાળક નવાબ બ્‍લોચ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: શહેરના પંચનાથ મહાદેવ મંદિર રોડ પર સ્‍ટાર ચેમ્‍બર સામે ગત સાંજે જીજે૨૫એએ-૯૮૦૧ નંબરની એન્‍ડેવર કાર બેકાબૂ બની જતાં વિજથાંભલામાં અથડાતાં થાંભલો ઉખડી ગયો હતો અને બાદમાં આ કારની ઠોકરે એક બાળક ચડી જતાં તેનો પગ ભાંગી ગયો હતો. આ ઉપરાંત પાંચ ટુવ્‍હીલરનો પણ કડુસલો બોલી ગયો હતો. આ અકસ્‍માતમાં કારમાં ભારે નુકસાન થવા સાથે પાંચ વાહનોનમાં અઢી લાખનું અને વિજ થાંભલામાં દોઢ લાખનું નુકસાન થયું હતું. કારચાલકને પણ ઇજા પહોંચતાં પોલીસની નજર હેઠળ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. તે ડિસમીસ પોલીસમેન હોવાનું ખુલ્‍યું છે.

ગત સાંજે એન્‍ડેવર કાર બંબાટ ઝડપી પંચનાથ મંદિર રોડ પર વિજથાંભલા સાથે ધડાકાભેર અથડાતાં થાંભલો મુળમાંથી ઉખડી ગયો હતો. એ પછી કારની ઠોકરે એક ટાબરીયો ચડી ગયો હતો અને બાદમાં દિવાલમાં કાર અથડાતાં ત્‍યાં પાર્ક કરાયેલા પાંચ ટુવ્‍હીલરનો બૂકડો બોલી ગયો હતો. કાર ચાલકને અને બાળકને ઇજા થઇ હોઇ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે પરાબજાર ભીડભંજન મહાદેવ મંદિર સામે રહેતાં અને પંચનાથ રોડ પર અર્હમ ફાયનાન્‍સીયલ સેન્‍ટરમાં આવેલ એએનએસ પ્રા.લિ.માં બેંક ઓફિસ આસીસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં હરિઓમ ચંદુભાઇ ચંચલ (ઉ.૩૪)ની ફરિયાદ પરથી કારચાલક યુવરાજ અશોકભાઇ ગોવાળીયા (રહે. બીલખા જુનાગઢ) વિરૂધ્‍ધ એમવીએક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

હરિઓમ ચંચલે જણાવ્‍યું હતું કે સાંજે હું ઓફિસમાં હાજર હતો ત્‍યારે અચાનક મોટો ધડકો-અવાજ થતાં હું તથા બીજા લોકો બહાર નીકળી ગયા હતાં. તપાસ કરતાં એક ફોર્ડ એન્‍ડેવર કાર અમારા અર્હમ ફાયનાન્‍સીયલ સેન્‍ટરની દિવાલમાં અથડાયેલી જોવા મળી હતી. આ કાર પહેલા જીઇબીના લોખંડના થાંભલામાં અથડાતાં થાંભલો મુળમાંથી ઉખડી ગયો હતો. એ પછી એક બાળકને ઠોકરે ચડાવ્‍યો હતો. ત્‍યારબાદ દિવાલ પાસે રાખેલા પાંચ વાહનો જીજે૦૩ડીપી-૨૨૬૩,  જીજે૦૩ડીજે-૧૩૧૨, જીજે૧૦એબી-૭૦૪૩, જીજે૧૪એબી-૯૧૭૦ તથા જીજે૦૩એફએ-૨૧૧૨ ઉપર આ કાર ચડી જતાં પાંચેય વાહનોમાં આશરે રૂા. ૨,૫૦,૦૦૦નું નુકસાન થયું હતું. આ વાહનો ફરિયાદી હરિઓમ ચંચલ, મોહિત દોશી, અમિત મહેતા, કોૈશલ ધોળકીયા અને રિઝવાન બ્‍લોચના હતાં.

જીઇબીના અધિકારી જે. યુ. ભટ્ટ પણ બનાવની જાણ થતાં પહોંચ્‍યા હતાં. તેમના કહેવા મુજબ થાંભલો ઉખડી જતાં દોઢ લાખનું નુકસાન થયું હતું. ગાડીનો ચાલક ગાડીમાંથી નીકળ્‍યો ત્‍યારે બકવાસ કરતો હતો અને લથડીયા ખાતો હતો. તેને પણ ઇજાઓ થઇ હોઇ ૧૦૮ મારફત હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તે નશો કરેલી હાલતમાં હોઇ પોલીસે ગુનો નોંધ્‍યો હતો. સિવિલમાંથી તે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ થતાં ત્‍યાં પોલીસ બંદોબસ્‍ત મુકી દેવાયો છે.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ જે બાળકને ઇજા થઇ તે હરિહર ચોક દાતારના તકીયા પાસે ખાડામાં રહેતો નવાબ સમીરભાઇ બ્‍લોચ (ઉ.વ.૭) છે અને તે બે ભાઇ તથા એક બહેનમાં નાનો છે તથા ધોરણ-૨માં ભણે છે. તે ઘરેથી ચા લેવા નીકળ્‍યો હતો અને અકસ્‍માતનો ભોગ બન્‍યો હતો.

જ્‍યારે કાર ચાલક વનરાજ બિલખાનો ડિસમીસ પોલીસ કોન્‍સ્‍ટેબલ છે. તેમજ તેના વિરૂધ્‍ધ મર્ડર, મારામારી, દારૂ સહિતના ગુના પણ નોંધાયા હોવાનું જાણવા મળ્‍યું છે. તેને હોસ્‍પિટલમાંથી રજા અપાયા બાદ ધરપકડ થશે. એ-ડિવીઝન પીએસઆઇ એસ. એચ. નિમાવત વધુ તપાસ કરે છે. 

(1:17 pm IST)