સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

સાગરખેડૂઓને પણ ઝીરો ટકા વ્‍યાજથી ૩ લાખનું ધિરાણ ઉપલબ્‍ધ : પરસોત્તમભાઇ રૂપાલા

કેન્‍દ્રીય મત્‍સ્‍યપાલન મંત્રી દ્વારા માંગરોળથી સાગર પરિક્રમા યાત્રાના બીજા ચરણનો પ્રારંભ

પ્રભાસપાટણ - વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં ભારત સરકારના મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરીના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાના અધ્‍યક્ષતામાં કોમ્‍યુનિટી ટાઉન હોલ, વેરાવળ ખાતે સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે મત્‍સ્‍યદ્યોગની કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : ભારત સરકારના મત્‍સ્‍ય પાલન પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા ચરણનો દરિયાઈ માર્ગે માંગરોળથી પ્રારંભ કર્યો હતો. આ સાથે મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના હેઠળ OBM એન્‍જિન, GPS, વાયરલેસ ઈન્‍ફયુલેટેડ વ્‍હીકલના લાભોનું  હાથોહાથ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સાગર પરિક્રમા યાત્રાના આરંભ પૂર્વે માંગરોળના રામલીલા મેદાનમાં વિશાળ જનસભા સંબોધતા મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્‍યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીએ સાગરખેડુઓના ઉત્‍કર્ષ માટે ભ્‍પ્‍ મત્‍સ્‍ય સંપદા યોજના હેઠળ માતબર રૂ.૨૦,૦૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્‍યું છે. આ સાથે જ મત્‍સ્‍ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ.૧૫,૦૦૦ કરોડના બજેટની જોગવાઈ કરી છે. એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીશ્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે.
આ સાથે મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોને ઝીરો ટકા વ્‍યાજે ૩ લાખનું ધિરાણ ઉપલબ્‍ધ કરાવતું કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર ખેડૂતો પૂરતું સીમિત ન રાખતા તેમાં સાગરખેડુઓનો પણ સમાવેશ કર્યો છે.  જેથી માછીમારી સાથે જોડાયેલા લોકોને ત્રણ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્‍યાજે ધિરાણ મળી રહ્યું છે. આ માટે કેન્‍દ્ર સરકાર ૩ અને રાજય સરકાર ૪ ટકા વ્‍યાજ સહાય આપી રહી છે. જેથી સાગર ખેડુઓ દેવામાં ગરકાવ થવાથી બચી રહ્યા છે. આમ, ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જણાવ્‍યું છે, કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની સાગર પરિક્રમા યાત્રા એક આગવી શરૂઆત છે. જેના થકી માછીમાર સમુદાયના વિવિધ પ્રશ્નોના મૂડમાં પહોંચી તેનો ઉકેલ લાવી શકાય. ગુજરાત રાજય વિશાળ દરિયા કિનારો ધરાવે છે ત્‍યારે આ યાત્રા થકી મત્‍સ્‍યદ્યોગને નવો વેગ મળવાનો છે. આ સાથે તેમણે કહ્યું કે, તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સાગરખેડુ સંમેલન યોજી, માછીમાર સમુદાયને નવી ઓળખ આપવાની સાથે મુખ્‍ય ધારામાં જોડવાનું મહત્‍વપૂર્ણ કાર્ય કર્યું છે.
   આ પ્રસંગે ભારત સરકારના સંયુક્‍ત સચિવ શ્રી જે. બાલાજીએ શાબ્‍દિક સ્‍વાગત કરતા કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની પ્રેરણાથી શરૂ થયેલી સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ની નિભાવના સ્‍પષ્ટ કરી હતી.
આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્‍ટ બોર્ડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ડો. સી. સુવર્ણાએ જણાવ્‍યું કે, ગુજરાત રાજય જળ સંપત્તિથી સંપન્ન છે અને ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્‍સ્‍ય પેદાશોના ઉત્‍પાદનમાં ૧૮ ટકા જેટલો હિસ્‍સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્‍યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્‍યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે,નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્‍દ્ર સરકારે રૂ.૭૮૫ કરોડ મંજૂર કર્યા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્‍ય બંદરોના વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે પ્રગતિશીલ સાગરખેડુ શ્રી સાગરભાઈ મોતીવરશે મત્‍સ્‍યપાલન ક્ષેત્રની કેન્‍દ્ર-રાજય સરકારની કલ્‍યાણકારી  યોજનાઓથી પોતાની આવકમાં થયેલ વૃદ્ધિ અંગે અને આ યોજનાઓથી થતા ફાયદા વર્ણવ્‍યા હતા.
આ પ્રસંગેફિશરીઝ કમિશનર શ્રી શંકર એલ., ભારત સરકારના ફીશરીઝ આસિસ્‍ટન્‍ટ કમિશનર શ્રી સંજય પાંડે, રાજય સરકારના ફીશરીઝ ડાયરેક્‍ટર શ્રી નીતિન સાંગવાન, કોસ્‍ટ ગાર્ડના ડીઆઈજી શ્રી એસ.કે. વર્ગીસ, માંગરોળ નગરપાલિકાના પ્રમુખશ્રી મનોજભાઈ વિઠલાણી, પૂર્વ ધારાસભ્‍ય શ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, અગ્રણી શ્રી ભરતભાઈ પંડ્‍યા, વેલજીભાઈ મસાણી, પરસોતમભાઈ ખોરાવા, મહેન્‍દ્રભાઈ જુંગી, દામોદર ચામુંડીયા, લિનેશભાઈ સોમૈયા, દાનાભાઈ બાલસ, ખીમજીભાઈ પરમાર, જીતેશભાઈ ખોરાવા, ફિશરીઝ  વિભાગના અધિકારી શ્રી સંગીતાબેન ભારડીયા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:48 am IST)