સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

જામનગરમાં જિલ્લાકક્ષાના નેશનલ સાયન્‍સ ડ્રામા ફેસ્‍ટીવલ-૨૦૨૨ની ઉજવણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૩ : ગુજકોસ્‍ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ-ધ્રોલ સંચાલિત  એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર-ધ્રોલ તથા ડી.ઈ.ઓ. અને ડી.પી.ઈ.ઓ. કચેરી - જામનગરના ઉપક્રમે બાળકો પોતાની અંદર રહેલા વિજ્ઞાન કૌશલ્‍યોને નાટક સ્‍વરૂપે રજુ કરે તેમજ સમાજમાં વિજ્ઞાનનો પ્રચાર અને  પ્રસાર કરતાં થાય તે ઉદ્દેશથી આ વર્ષની મુખ્‍ય થીમ ‘‘માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી‘‘ વિષય પર જિલ્લા કક્ષાના ‘‘નેશનલ ડ્રામા ફેસ્‍ટીવલ-૨૦૨૨''નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૨૦ જેટલા વિજ્ઞાન નાટકો રજુ થયેલ. આકાશવાણીમાં કાર્યકારી ઉદઘોષક તેમજ રાજકોટ ઝોનકક્ષાના જી.ટી.યુ. યુવક મહોત્‍સવના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે અને ગુજરાતી ફિલ્‍મો તેમજ વેબ સીરીઝમાં કાર્યરત એવા  ચેતસભાઈ ઓઝા અને એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્‍ટ-ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા દ્વારા કાર્યક્રમનું ઉદ્ધાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ડ્રામા ફેસ્‍ટીવલની મુખ્‍ય થીમ  માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી  આધારિત પેટા થીમ (૧) રસીની વાર્તા, (૨) રોગચાળો  : સામાજિક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ, (૩) જીવનની ગુણવત્તા સુધારવા માટે તકનીકી નવીનતા  અને (૪) મૂળભૂત વિજ્ઞાન અને ટકાઉ વિકાસ વિષયો પર ૨૦ જેટલા નાટકો રજુ થયેલ. જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષામાં જીના ઈશિકા નામ હૈ, વેક્‍સીન એક વરદાન, સોશીયલ અને સાયન્‍ટીફીક ઈશ્‍યુ, રસીકરણ અંગે જાગળતિ વગેરે જેવા નાટકો બાળકો દ્વારા ખુબ સારી રીતે રજુ કરવામાં આવેલ. જેમાં શ્રી એમ.ડી.મહેતા ગર્લ્‍સ હાઇસ્‍કુલ, ધ્રોલની બાળાઓએ ‘‘જાગો જાગો'' નાટક ખુબ સારી રીતે રજુ કરી જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર, મોદી સ્‍કૂલ(ઇંગ્‍લિશ મીડિયમ)-જામનગર એ બીજો નંબર, ભવન્‍સ એ.કે.દોશી વિદ્યાલય-જામનગર ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ. તમામ નાટકોને પુરતો ન્‍યાય મળી રહે એ માટે મુખ્‍ય મહેમાન તેમજ નિર્ણાયક  ચેતસભાઈ ઓઝા અને નાટયક્ષેત્રે ૧૬ વર્ષના અનુભવી એવા નિર્ણાયકશ્રી આશીફભાઈ અજમેરી દ્વારા ખુબ મહત્‍વપૂર્ણ ભૂમિકા પૂરી પાડવામાં આવેલ. ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકો તેમજ શિક્ષકોમાંથી ‘‘બેસ્‍ટ એક્‍ટર'' તરીકે જી.ડી.શાહ સ્‍કૂલ-જામનગરનો કાદરી સાહેલ, ‘‘બેસ્‍ટ એક્‍ટ્રેસ'' તરીકે એમ.ડી.મહેતા ગર્લ્‍સ શાળાની કટારીયા રાબિયા, મૂળીયા કોમલ, ‘‘બેસ્‍ટ ડિરેક્‍ટર'' મોદી સ્‍કૂલ-જામનગરના પાર્થ સારથી વૈદ્ય, તેમજ ‘‘બેસ્‍ટ સ્‍ક્રીપ્‍ટ રાઈટર'' તરીકે જી.એમ. પટેલ કન્‍યા વિદ્યાલય-ધ્રોલના સરોજબેન હડિયલ જાહેર કરવામાં આવેલ અને આ તમામને શિલ્‍ડ આપી સન્‍માનિત કરવામાં આવેલ. નેશનલ સાયન્‍સ ડ્રામા ફેસ્‍ટીવલ-૨૦૨૨માં ભાગ લેનાર તમામ બાળકોને જીલ્લાકક્ષાનું પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાનકેન્‍દ્રનાં પ્રોગ્રામ ઓફિસર   ડૉ.સંજયભાઈ પંડ્‍યા દ્વારા કરવામાં આવેલ. ‘‘નેશનલ સાયન્‍સ ડ્રામા ફેસ્‍ટીવલ-૨૦૨૨''માં ભાગ લેનાર તમામ શાળા, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ આવનાર સમયમાં પણ આ જ ઉત્‍સાહથી ભાગ લે એ માટે સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રી ધર્મેશભાઈ મહેતા તેમજ સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયા દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવેલ.

(12:57 pm IST)