સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

કચ્છ જિલ્લામાં મેઘરાજાની સટાસટી : નખત્રાણામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ

નખત્રાણા પંથકમાં ખેતરો તળાવ બન્યા: વાડીઓમાં પાણી ઘુસ્યા :અંજારમાં પણ ધોધમાર 3 ઇંચ વરસાદ: ભુજમાં 1 ઇંચ, ગાંધીધામમાં પોણો ઇંચ, લખપતમાં, માંડવીમાં અડધો ઇંચ વરસાદ

ભુજ : કચ્છ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે  આજે ભુજ , અંજાર , માંડવી , નખત્રાણામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબોળની પરિસ્થિતિ સર્જાઈ હતી માંડવી પંથકમાં ગઈકાલે ઈંચ અને આજે સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં કચ્છની મોટી સિંચાઈ હેઠળ આવતો વિજયસાગર ડેમ ઓવરફ્લો થતાં રાયણ , કોડાય સહિત અનેક ગામોની નદીઓ ગાંડીતુર બની હતી . તો , અનેક ગામડાઓમાં વાવણી કરેલા ખેતરો ધોવાઈ ગયા છે . જોકે , વિજયસાગર ડેમનું ઓવરફ્લો પાણી રૂકમાવતી નદી વાટે માંડવીમાં પ્રવેશ્યું છે .

 નખત્રાણા પર જાણે આભ ફાટયું હોય એમ માત્ર બે કલાકમાં જ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદ પગલે મુશ્કેલી સર્જાઈ હતી. નખત્રાણા, માતાનામઢ હાઈવે દોઢ કલાક માટે બંધ રહ્યો હતો. બસ સ્ટેશન નજીકના પાણીના વહેણમાં પાણીનો ભારે પ્રવાહ શરૃ થતા વાહનચાલકો માટે પરેશાની સર્જાઈ હતી. નગરની મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. અહીંની શિવ આદર્શ સોસાયટીમાં વીજળી પડતા ઘરોમાં વીજ ઉપકરણોને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં લાઈટ ન હોવા છતાં ટીવીમાં ભડકો થયો હતો. જિલ્લા કંટ્રોલ રૃમમાં બપોરે બે થી ચારમાં ૧૧૦ મિમિ નોંધાયો છે. સિઝનનો કુલ વરસાદ ૫૫૨ મિમિના આંકે પહોંચી ગયો છે.

નખત્રાણા પંથકમાં ખેતરો તળાવ બન્યા હતા ભારે વરસાદને કારણે વાડીઓમાં પાણી ઘુસ્યા હતા બીજીતરફ અંજારમાં પણ ધોધમાર 3 ઇંચ વરસાદ પડ્યો હતો જયારે ભુજમાં 1 ઇંચ, ગાંધીધામમાં પોણો ઇંચ, લખપતમાં, માંડવીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો

નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ) ગામે બપોરના ૧.૪૫ થી ૩ વાગ્યા સુાધીમાં દોઢ થી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ક્યારેક જોરદાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગામ નજીક જ વહેતા વોકળાને જોવા લોકો ઉમટયા હતા. નાગલપર, નાના-મોટા અંગિયા, નાના-મોટા ધાવડા, વિાથોણ, દેવપર, ભડલી, જિંદાય સહિતના આસપાસના વિસ્તારોમાં ત્રણ થી ચાર ઈંચ જેટલો વરસાદ થતા ગામની શેરીઓમાં જોશભેર પાણી વહી નિકળ્યા હતા.

(10:37 pm IST)