સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

પોરબંદરના બોખીરામાં સરકારી જમીન ઉપર પેશકદમી હટાવાયી : ૫.૫ કરોડની જમીન ખુલ્લી કરાઇ

(હેમેન્દ્રકુમાર પારેખ - પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૩ : પાલિકા હદ વિસ્તારમાં બોખીરામાં ૧૧ હજાર સ્કેવર મીટર સરકારી જમીન ઉપર થયેલ પેશકદમી તંત્રએ હટાવીને ૫.૫ કરોડની જમીન ખુલ્લી કરી હતી.

બોખીરા વિસ્તારમાં સર્વે નં. ૬૦૩ પૈકીની જમીનમાં અંદાજે ૧૧ હજાર સ્કેવર મીટર જમીનમાં ગેરકાયદે થયેલ દબાણ જિલ્લા કલેકટર અશોકભાઇ શર્માની સૂચનાથી મામલતદાર અર્જુનભાઇ ચાવડા દ્વારા હટાવીને વર્તમાન કિંમત મુજબ ૫.૫ કરોડની જમીન ખુલ્લી કરી હતી.

નગરપાલિકા હદ વિસ્તારમાં અવારનવાર સી.આર.ઝેડ નિયમ ભંગની ફરિયાદો ઉઠે છે. કેટલાક સ્થળે સુપર માર્કેટ અને બહુમાળી મકાનો કે જે શહેરી વિકાસ નિયમ વિરૂધ્ધ ઉભા થઇ ગયેલ છે. જે અંગે અગાઉ અનેક વખત તંત્રનું ધ્યાન દોરવા છતાં ધ્યાન અપાયું નહોતું. બાંધકામ મંજુરીમાં ચીફ ઓફિસરને બદલે ટી.પી. કમિટિના ચેરમેનની સહી હોય છે જે બાંધકામ મંજૂરી કાયદેસર નથી. આવા અનેક બાંધકામો શહેરમાં થયા છે છતાં ધ્યાન ન અપાતા રોષ વ્યાપી ગયેલ છે. ગેરકાયદે કિસ્સામાં કેટલાક કિસ્સામાં વડી અદાલતે કેટલીક જમીનને ગેરકાયદે ઠરાવીને યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે.

(1:12 pm IST)